
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 6 જૂને થવાની શક્યતા છે. જોકે, આ પ્રવાસો માટે હાર્દિક પંડ્યાની પસંદગી અશક્ય લાગે છે. એટલે કે, તેને ભારતની T20 ટીમમાંથી બહાર કરી શકાય છે. હાર્દિકને T20 ટીમમાંથી બહાર કરવા પાછળ ભારતીય પસંદગીકારોનો હેતુ ODI વર્લ્ડ કપ સાથે સંબંધિત છે.

ભારત આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ODI વર્લ્ડ કપ રમવાનું છે, જ્યાં અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઝડપી અને ઉછાળવાળી પિચો પર મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી, પસંદગીકારો શક્ય તેટલી વધુ ODI મેચોમાં પંડ્યાને રમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ODI શ્રેણીમાં હાર્દિકના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. તે 10 ઓવર ફેંકી શકે છે કે નહીં તેના પર ખાસ ફોકસ છે. ભારતીય પસંદગીકારો તેને ઈજાથી બચાવીને 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

હાર્દિક પંડ્યા માટે ઈજાઓ માથાનો દુખાવો બની રહી છે. IPL 2026 દરમિયાન તેને કમરના દુખાવાની સમસ્યા થઈ હતી, જેના કારણે તે ચારથી પાંચ મેચો રમી શક્યો નહીં. ઈજાને કારણે તેને એશિયા કપ 2025માંથી ખસી જવાની ફરજ પડી હતી. જે બાદ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ચૂકી ગયો હતો.

જોકે, એશિયા કપ 2025 માં થયેલી ઈજામાંથી સજા થઈ ટીમમાં પાછા ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપ 2026 ની નવ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ 160.74 ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. તેણે નવ વિકેટ પણ લીધી હતી.

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યા બાદ હાર્દિક પંડ્યાને IPL 2026 દરમિયાન બીજી ઈજા થઈ હતી, અને હાલમાં તે રિકવરી મોડમાં છે. 2027 ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો હાર્દિકને T20 ક્રિકેટથી દૂર રાખવા માંગે છે. આ જ કારણ છે કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેના રમવાની શક્યતા ઓછી છે. (PC:PTI/X)