IPL 2025માં પહેલી બે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે KKRને હરાવ્યું હતું. હવે ટીમ LSGનો સામનો કરવા જઈ રહી છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બુમરાહ થોડા દિવસોમાં ટીમમાં પરત ફરી શકે છે અને ટૂંક સમયમાં મેદાનમાં પણ જોવા મળશે.
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પીઠની ઈજા બાદથી ક્રિકેટથી દૂર છે. આ કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમી શક્યો નહીં.
ત્યારથી જસપ્રીત બુમરાહ BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ઈજામાંથી સાજા થઈ રિકવરી કરવાનો અને ફિટનેસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તાજેતરમાં બુમરાહ બેંગલુરુ સ્થિત COE ખાતે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બુમરાહને મેડિકલ ટીમ તરફથી ફિટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તેના બોલિંગ વર્કલોડમાં ધીમે ધીમે વધારો થવાને કારણે તેને લીલી ઝંડી મળી ન હતી.
ESPN-ક્રિકઈન્ફોના અહેવાલ અનુસાર બુમરાહ હવે ફિટનેસ ટેસ્ટના અંતિમ રાઉન્ડની નજીક છે. થોડા દિવસોમાં તેનો ફિટનેસ ટેસ્ટ થશે, જેમાં સંપૂર્ણ ક્ષમતાથી બોલિંગ કરતી વખતે તેના વર્કલોડની તપાસ કરવામાં આવશે.
બુમરાહની હાલની સ્થિતિ જોતાં, તે વાપસી કરવાની નજીક લાગે છે. જોકે, તે મુંબઈની ઓછામાં ઓછી 2 મેચ ગુમાવશે, પહેલી 4 એપ્રિલે લખનૌ સામેની અને પછી 9 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ બુમરાહ નહીં રમે.
આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જસપ્રીત બુમરાહ 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમતો જોવા મળી શકે છે.
જો દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બુમરાહ નહીં રમે તો તે 17 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં કમબેક કરી શકે છે.
જોકે, BCCI સિવાય, બુમરાહ પોતે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાના મૂડમાં નથી અને સંપૂર્ણ ખાતરી થયા પછી જ પરત ફરવા માંગે છે. આનું કારણ IPL પછીનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં, બુમરાહ ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર હશે અને તે ટીમની કેપ્ટનશીપ પણ કરી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, બુમરાહની ગેરહાજરીમાં ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર ઉપરાંત મુંબઈએ યુવા બોલર અશ્વિની કુમારને પણ તક આપી, જેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ પ્રભાવ પાડ્યો હતો. (All Photo Credit : PTI)