
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો હોવા છતાં ફેન્સ કેપ્ટન હરમનપ્રીત કૌરથી નારાજ છે.

ફેન્સની નારજગીનું કારણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની ધીમી બેટિંગ છે. તેની ધીમી ઇનિંગને કારણે સોશિયલ મીડિયા પર ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

ફાઇનલમાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને રિચા ઘોષે ઝડપી બેટિંગ કરીને ટીમનો રન રેટ જાળવી રાખ્યો હતો.જોકે હરમનપ્રીત કૌરે 17 બોલમાં માત્ર 19 રન બનાવ્યા હતા.

હરમનપ્રીતની બેટિંગને લઈને સવાલો માત્ર આ એક મેચ પૂરતા સીમિત નથી. છેલ્લા કેટલાક સમયથી તેના સ્ટ્રાઈક રેટને લઈને ચર્ચા ચાલી રહી છે.બાંગ્લાદેશ સામે તેણે 33 બોલમાં 40 રન બનાવ્યા હતા, જ્યારે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે તે 14 બોલમાં માત્ર 14 રન બનાવી શકી હતી.

શેફાલી અને મંધાના જેવી બેટર્સ ઝડપી શરૂઆત આપે છે, ત્યારે હરમનપ્રીતની ધીમી બેટિંગ ટીમના રન રેટ પર અસર કરતી હોવાની ચાહકોની દલીલ છે.

આ કારણે T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં હરમનપ્રીતના સ્થાનને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે. કેટલાક ચાહકો તેના સ્થાને અન્ય ખેલાડીને તક આપવાની માંગ કરી રહ્યા છે.

જોકે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હરમનપ્રીતે ટીમના પ્રદર્શનને લઈને કહ્યું હતું કે ટીમે ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારવાનો નિર્ણય કર્યો હતો અને ખેલાડીઓએ આ લક્ષ્ય હાંસલ કર્યું.

ભારતીય ટીમની આ જીતમાં કેપ્ટન તરીકે હરમનપ્રીતની ભૂમિકા પણ મહત્વની રહી છે. હવે આગામી T20 મેચોમાં તેના બેટિંગ પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. (PC:PTI/X)