ભારતની સ્થાનિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની સફર સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને કેરળ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે.
આ મેચમાં ગુજરાત તરફથી બેટ્સમેન પ્રિયાંક પંચાલે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 29મી સદી ફટકારી ટીમને મજબુત શરુઆત અપાવી હતી. પ્રિયાંકે આ ઈનિગ્સ દરમિયાન શાનદાર શોર્ટસ પણ રમ્યા હતા.
આ સાથે તેમણે રણજી ટ્રોફીમાં 7000 રન પણ પૂર્ણ કરી લીધા છે. ત્યારે હવે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું પ્રિયાંક પંચાલને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળશે કે કેમ.
ગુજરાત તરફથી બેટિંગ કરવા આવેલા પ્રિયાંક પંચાલ શરૂઆતથી જ લયમાં દેખાતા હતા. તેણે 237 બોલનો સામનો કરીને 148 રનની ઇનિંગ રમી. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 18 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો.
34 વર્ષીય પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 8708 રન છે અને તેઓ લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતા છે. અત્યાર સુધીમાં તેણે 206 ઇનિંગ્સમાં 44.65 ની સરેરાશથી રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે લિસ્ટ A ક્રિકેટમાં 40 થી વધુની સરેરાશથી રન પણ બનાવ્યા છે.
રોહિત શર્મા ટૂંક સમયમાં રેડ બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. આ પછી, ટીમ ઇન્ડિયામાં ઓપનિંગ માટે ખાલી જગ્યા હશે. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ પ્રિયંક પંચાલને તક આપી શકે છે. ભલે આમાં તેની ઉંમર સૌથી મોટી સમસ્યા હોય, પરંતુ તેના પ્રદર્શનની કોઈ કમી નથી લાગતી.