
આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા 365 હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.

ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે.

આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.