
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન-અર્ચન કર્યું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાને ભગવાનના રથને ખેંચીને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્ય પ્રધાને ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી આજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. પ્રભુ આજે સામે ચાલીને શ્રમિકો, ગરીબો અને સૌ નાગરિકોને આશીર્વાદ તેમજ દર્શન આપી રહ્યા છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. આ ભવ્ય રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખડેપગે સેવારત રહેનારા સૌ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ-નાગરિકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્ય પ્રધાને અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, જેના માટે ગુજરાત લીડ લેશે તેમ મુખ્ય પ્રધાને વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજી રાજ્યના સૌ નાગરિકોને ઉત્તરોત્તર સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ પ્રભુ સમક્ષ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
Published On - 11:29 am, Thu, 16 July 26