
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો અવારનવાર સામાન્ય ભૂલ કરી બેસે છે. તેઓ એવું વિચારે છે કે, તેમના પોર્ટફોલિયોમાં જેટલા વધારે ફંડ હશે, તેમનું જોખમ (Risk) એટલું જ ઓછું થશે અને વળતર (Return) એટલું જ સારું મળશે. જો કે, હકીકત આનાથી બિલકુલ ઊંધી છે. પર્સનલ ફાઇનાન્સની દુનિયામાં એક ખૂબ જ જૂની કહેવત છે કે, 'પોર્ટફોલિયો મોટો નહીં, સ્માર્ટ હોવો જોઈએ.'

મોટાભાગના રોકાણકારોને એવું લાગે છે કે, જો તેમણે 8 કે 10 અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં એસઆઇપી (SIP) શરૂ કરી દીધી છે, તો તેમનો પોર્ટફોલિયો ખૂબ જ શાનદાર રીતે ડાયવર્સિફાઇડ (વિવિધતાસભર) થઈ ગયો છે. હવે વાસ્તવમાં આ સ્થિતિને 'ઓવર-ડાયવર્સિફિકેશન' અથવા 'પોર્ટફોલિયો ઓવરલેપ' કહેવામાં આવે છે.

જો તમે ત્રણ અલગ-અલગ એએમસી (AMC - ફંડ હાઉસ) ના લાર્જ-કેપ કે ફ્લેક્સી-કેપ ફંડ લીધેલા છે, તો પૂરેપૂરી શક્યતા છે કે તે તમામ ફંડ્સના ફંડ મેનેજર્સે રિલાયન્સ, એચડીએફસી બેંક (HDFC Bank) કે ઇન્ફોસિસ જેવા ગણતરીના ટોચના શેર્સમાં જ તમારા પૈસા રોક્યા હોય. આવી સ્થિતિમાં, તમે અલગ-અલગ ફંડ્સને મેનેજમેન્ટ ફી એટલે કે એક્સપેન્સ રેશિયો (Expense Ratio) તો ચૂકવી રહ્યા છો પણ તમારા પૈસા ફરી-ફરીને એ જ કંપનીઓમાં જઈ રહ્યા છે. આ કોઈ ડાયવર્સિફિકેશન નથી પરંતુ માત્ર એક ભ્રમ છે, જે તમારા નફાને ઘટાડી દે છે.

એક શાનદાર અને સ્માર્ટ પોર્ટફોલિયો બનાવવાનો ફોર્મ્યુલા એકદમ સરળ છે, જેમાં યોગ્ય ફંડ્સની પસંદગી અને તેમાં નાણાંનું સાચું એલોકેશન (વહેંચણી) સૌથી મહત્વનું છે. મોટું ભંડોળ ઊભું કરવા માટે તમારે ડઝનબંધ ફંડ્સની કોઈ જરૂર નથી પરંતુ તમારી પાસે એવા ગણતરીના અને ઉત્તમ ફંડ્સ હોવા જોઈએ કે, જે એકબીજાથી બિલકુલ અલગ હોય અને તમારા નાણાકીય લક્ષ્યો સાથે મેળ ખાતા હોય. આ માટે તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપવા માટે લાર્જ કેપ અથવા ઇન્ડેક્સ ફંડ હોવું જરૂરી છે, જ્યારે લાંબાગાળે આક્રમક અને મોટું વળતર મેળવવા માટે મિડ કેપ કે સ્મોલ કેપ ફંડનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે જ, માર્કેટની બદલાતી પરિસ્થિતિઓ મુજબ ફંડ મેનેજરને રોકાણની ઉત્તમ તકો ઝડપવાની સુવિધા મળે તે માટે એક ફ્લેક્સી કેપ ફંડ પણ હોવું જોઈએ, જેથી તમારું રોકાણ સુરક્ષિત રહે અને કમાણી બમ્પર થાય.

એક સામાન્ય રોકાણકાર માટે 3 થી 5 મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો સંપૂર્ણપણે પૂરતો અને મેનેજ કરવામાં એકદમ સરળ રહે છે. તમારા પોર્ટફોલિયોને વર્ષમાં એક વાર તો રિવ્યૂ (ચકાસણી) જરૂર કરવો જોઈએ. ઓનલાઇન આવા ઘણા બધા ટુલ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમને ખબર પડે કે તમારા અલગ-અલગ ફંડ્સમાં કેટલા શેર્સ કોમન (Overlap) છે. સોશિયલ મીડિયા અથવા મિત્રોના કહેવા પર દરેક નવા ફંડ (NFO) માં અથવા દર વર્ષે ટોપ પર્ફોર્મ કરનારા નવા-નવા ફંડમાં પૈસા રોકવાની ભૂલ ક્યારેય ન કરો.