
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માંથી ભારતીય ટીમની ખેલાડી શ્રેયંકા પાટિલ બહાર થઈ ગઈ છે. શ્રેયંકા પાટિલ નેધરલેન્ડ વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેના સ્થાને હવે રિપ્લેસમેન્ટની પણ જાહેરાત થઈ ચૂકી છે. ટીમમાં પ્રેમા રાવતને સ્થાન મળ્યું છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ પાટિલના સ્થાને લેગ-સ્પિનર પ્રેમા રાવતને ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી છે.

પ્રેમા રાવત, જે પહેલાથી જ ઇન્ડિયા A સેટઅપના ભાગ રૂપે ઇંગ્લેન્ડમાં હતી, હવે ટુર્નામેન્ટની બાકીની મેચો માટે સિનિયર ટીમમાં જોડાશે.

પ્રેમા રાવતે મહિલા પ્રીમિયર લીગ અને વુમન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દેખાડી છે. ઈન્ડિયા એ તરફથી રમતા તેમણે 8 વિકેટ લીધી છે. મહિલા પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમમાંથી રમે છે.

આઈસીસીના નિયમ મુજબ ટૂર્નામેન્ટ વચ્ચે કોઈ પણ ખેલાડીને ટીમના સ્કવોડમાં સામેલ કરતા પહેલા ઈવેન્ટ ટેક્નિકલ કમેટીની પરવાનગી જરુરી હોય છે. આ કમેટીમાં વસીમ ખાન,ગૌરવ સક્સેના,બેથ બૈરેટ, વાઈલ્ડ અને સ્ટેસી ફ્લેમિંગ સામેલ છે.

24 વર્ષીય પ્રેમા રાવતે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેમણે પોતાના શાનદાર સ્થાનિક પ્રદર્શનથી એક અલગ ઓળખ બનાવી છે. આ ખેલાડીને 3D પ્લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેમાએ સ્કુલમાં હોકીથી શરુઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેમણે પોતાનું કરિયર ક્રિકેટમાં શરુ કર્યું હતુ. (ALL PHOTO : PTI)