
સોના અને ચાંદીના ETF (Exchange Traded Funds) માં આજે, 30 જાન્યુઆરીએ ભારે વેચવાલી જોવા મળી છે. તાજેતરમાં જ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ સોના-ચાંદીમાં આવેલા આ અચાનક ઘટાડાએ રોકાણકારોમાં ચિંતા વધારી છે. જે રોકાણકારો તાજેતરની તેજી ચૂકી ગયા હતા અને હવે પ્રવેશ કરવાની તૈયારીમાં હતા, અથવા જેમણે ઊંચા ભાવ પર રોકાણ કર્યું છે, તેમને પોતાની રોકાણ વ્યૂહરચનાનો ફરી વિચાર કરવો જરૂરી બની ગયો છે.

ઝડપી તેજી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે કરેક્ટશન જોવા મળ્યું. MCX પર એપ્રિલ એક્સપાયરી સાથેના સોનાના વાયદા લગભગ 5% ઘટીને ₹1,75,100 પ્રતિ 10 ગ્રામ પર આવ્યા, જ્યારે એક દિવસ પહેલા જ ભાવ ₹1,93,096 ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા. ફેબ્રુઆરી અને જૂન એક્સપાયરીના સોનાના કરાર પણ શરૂઆતના વેપારમાં લગભગ 6% ઘટ્યા.

ચાંદીની વાત કરીએ તો, માર્ચ એક્સપાયરી માટેના ચાંદીના વાયદા લગભગ 6% ઘટીને ₹3,75,900 પ્રતિ કિલો થયા. મે અને જુલાઈ એક્સપાયરીના કરારમાં પણ સમાન ઘટાડો નોંધાયો.

ફ્યુચર્સ સાથે સાથે ગોલ્ડ અને સિલ્વર ETFમાં પણ ભારે વેચવાલી જોવા મળી. નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETF, જેણે છેલ્લા એક વર્ષમાં 104% જેટલું વળતર આપ્યું હતું, તે લગભગ 10% ઘટીને ₹132 પર આવી ગયું. ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF અને એક્સિસ ગોલ્ડ ETFમાં અનુક્રમે લગભગ 10% અને 9% નો ઘટાડો થયો.

UTI, HDFC, એડલવાઈસ, ક્વોન્ટમ, DSP સહિતના અન્ય ગોલ્ડ ETFમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સિલ્વર ETFમાં તો દબાણ વધુ રહ્યું. Mirae Asset Silver ETF લગભગ 13% ઘટ્યો, જ્યારે મોતીલાલ ઓસ્વાલ સિલ્વર ETF લગભગ 12.5% ઘટીને ₹330.01 પ્રતિ યુનિટ પર આવી ગયો. HDFC અને નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETFમાં 14%થી વધુનો ઘટાડો નોંધાયો.

વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા છે. શુક્રવારે સ્પોટ ગોલ્ડમાં લગભગ 5% નો ઘટાડો થયો હતો, જે એક દિવસ પહેલા જ $5,594.82 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેડરલ રિઝર્વ ચેરમેનના નામની જાહેરાત કરશે તેવી અટકળો ચાલી રહી છે. વર્તમાન ફેડ ચેરમેન જેરોમ પોવેલનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થવાનો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, કઠોર નીતિ ધરાવતા ફેડ ચેરમેનની સંભાવના, મજબૂત ડોલર અને સોનામાં ઓવરબાયંગ સ્થિતિએ ભાવ પર દબાણ સર્જ્યું છે.

આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સની એસોસિયેટ ડિરેક્ટર તન્વી કંચન જણાવે છે કે બજાર આ ઘટાડાને લઈને બે ભાગમાં વિભાજિત છે. એક વર્ગ માને છે કે આ ઘટાડો ખરીદીની સારી તક છે, જ્યારે બીજો વર્ગ માને છે કે ઝડપી તેજી પછી આવું કરેક્ટશન સ્વાભાવિક છે. તેમના જણાવ્યા અનુસાર, સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ઔદ્યોગિક માંગ લાંબા ગાળે મજબૂત રહેવાની શક્યતા છે. જોકે, તાજેતરની તેજી બાદ એક જ વખત મોટું રોકાણ કરવું જોખમી બની શકે છે, તેથી તબક્કાવાર અથવા SIP મારફતે રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

રૂઢિચુસ્ત રોકાણકારો માટે નિષ્ણાતો સલાહ આપે છે કે પોર્ટફોલિયોના આશરે 5–10% ભાગને સોના અને ચાંદીમાં SIP મારફતે રોકાણ કરવાથી સમયસંબંધિત જોખમ ઘટે છે. VT માર્કેટ્સના ખૂનાના મતે, સેન્ટ્રલ બેંકોની ખરીદી, લાંબા ગાળાની માંગ અને ફુગાવા સામે રક્ષણ જેવા પરિબળો હજી પણ સોના-ચાંદીને ટેકો આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વર્તમાન અસ્થિરતા વચ્ચે ટૂંકા ગાળાની અટકળોથી દૂર રહેવું અને ઘટાડાને સમજદારીપૂર્વક ખરીદીની તક તરીકે જોવું વધુ યોગ્ય રહેશે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)