
દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘અબોડ’ (Abode) ને ટાંચમાં લીધા બાદ હવે સીબીઆઈ (CBI) એ પણ તેમની સામે નવો ગુનો નોંધ્યો છે. આ મામલો બેંક ઓફ બરોડા સાથે જોડાયેલી ₹2220 કરોડથી વધુની કથિત લોન છેતરપિંડીનો છે.

CBIએ બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે આ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે, વર્ષ 2013 થી વર્ષ 2017 વચ્ચે લેવામાં આવેલી લોનનો ઉપયોગ મંજૂર કરાયેલા હેતુઓ સિવાયના હેતુઓ માટે કરવામાં આવ્યો હતો, જેના કારણે બેંકને ₹2,220 કરોડથી વધુનું નુકસાન થયું હતું.

CBIના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેસ નોંધાયા બાદ અંબાણીના નિવાસસ્થાન અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ઘણા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે.

ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, આરકોમ (RCom) અને તેની સાથે જોડાયેલી કંપનીઓ રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિમિટેડ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડે બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ ₹31,580 કરોડની લોન લીધી હતી.

આરોપ છે કે, આ ફંડનો મોટો હિસ્સો બીજી બેંકોના દેવા ચૂકવવા, સંબંધિત પક્ષોને ચુકવણી કરવા અને અસ્થાયી રોકાણ તરીકે વાપરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં કથિત રીતે ફંડના અનધિકૃત (Unauthorized) ઉપયોગ અને દુરુપયોગના સંકેતો મળ્યા છે.

બેંકનો દાવો છે કે, લોનની રકમનો ઉપયોગ શરતો મુજબ કરવામાં આવ્યો ન હતો અને તેને વ્યવસ્થિત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ખાતાને 5 જૂન 2017ના રોજ નોન-પરફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને છેતરપિંડીની શ્રેણીમાં રાખવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેના પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

જો કે, આ સ્ટે 23 ફેબ્રુઆરીના રોજ હટાવી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ બેંકે સીબીઆઈ (CBI) માં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના એવા સમયે બહાર આવી છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અંબાણીની વધુ એક મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ અનિલ અંબાણીની લગભગ નવ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને વધુ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.