
જણાવી દઈએ કે, ગ્રુપ A ના કર્મચારીઓને રૂ. 1.20 લાખનું કવર, ગ્રુપ B ના કર્મચારીઓને રૂ. 60,000 નું કવર અને ગ્રુપ C ના કર્મચારીઓને રૂ. 30,000નું કવર મળે છે.

જો કે, હવે આ નવી યોજના હેઠળ, ઇન્સ્યોરન્સ કવર વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવ્યું છે. ટૂંકમાં, જો કોઈ રેલવે કર્મચારીનું અચાનક મૃત્યુ થાય છે, તો તેના પરિવારને રૂ. 1 કરોડનો ઇન્સ્યોરન્સ ક્લેમ મળશે.

આ કરાર હેઠળ, રેલવે કર્મચારીઓને હવાઈ અકસ્માત (Air Accident) જેવા મૃત્યુના કિસ્સામાં રૂ. 1.6 કરોડનું વીમા કવર મળશે. આ સાથે, RuPay ડેબિટ કાર્ડ પર રૂ. 1 કરોડ સુધીનું વધારાનું કવર પણ ઉપલબ્ધ થશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ કર્મચારી મુસાફરી દરમિયાન હવાઈ અકસ્માતનો ભોગ બને છે, તો તેના પરિવારને રૂ. 2.6 કરોડ સુધીનું વીમા કવર મળી શકે છે.

આ ઇન્સ્યોરન્સ કવર માત્ર મૃત્યુના કિસ્સામાં જ નહીં પરંતુ અકસ્માત બાદ અપંગ થવાના બનાવોમાં પણ મળશે. કર્મચારીઓને પર્સનલ એક્સિડન્ટ કવર હેઠળ પર્મનેન્ટ ટોટલ ડિસેબલમેન્ટ માટે રૂ. 1 કરોડનું કવર આપવામાં આવશે, જ્યારે કાયમી આંશિક અપંગતા માટે રૂ. 80 લાખ સુધીનું કવર મળશે. આ સાથે જ નેચરલ ડેથના કિસ્સામાં રૂ. 10 લાખનું કવર આપવામાં આવશે, જે માટે કોઈ પ્રીમિયમ ભરવું નહીં પડે અને મેડિકલ ટેસ્ટની પણ જરૂર નહીં રહે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન જણાવ્યું હતું કે, આ પગલું રેલવે કર્મચારીઓ માટે સલામતી કવચ જેવું છે. ફ્રન્ટલાઈન પર કામ કરતા ગ્રુપ સી કર્મચારીઓ ઘણીવાર સૌથી વધુ જોખમમાં હોય છે. આવી સ્થિતિમાં, આ Insurance Scheme તેમના પરિવારો માટે મોટી રાહત રહેશે.

સૌથી મહત્વની વાત એ છે કે, કર્મચારીઓને આ માટે અલગ પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. તેમણે ફક્ત એસબીઆઈમાં તેમનું સેલેરી એકાઉન્ટ જાળવવાનું રહેશે. આ ઉપરાંત, કોઈ મેડિકલ ટેસ્ટ કરવાની પણ જરૂર નહીં પડે.

રેલવે અને એસબીઆઈ વચ્ચે થયેલ આ MoU લાખો પરિવારોની ચિંતા ઘટાડશે. આમ જોવા જઈએ તો, હવે જો કંઈક ખરાબ કે દુઃખદ ઘટના બને છે, તો પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં.