
રશિયાએ અંદાજે 25 વર્ષમાં પહેલીવાર પોતાની તિજોરીમાં રાખેલું સોનું (gold bars) બજારમાં વેચવાનું શરૂ કર્યું છે. પહેલા માત્ર કાગળ પર જ સોનાની લેવડ-દેવડ થતી હતી પરંતુ હવે ફિઝિકલ સોનું વેચાઈ રહ્યું છે. આનું સીધું કારણ વધતો જતો સરકારી ખર્ચ અને ઘટતી જતી આવક છે. રશિયાનો સૈન્ય ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે તેલ અને ગેસમાંથી થતી કમાણી ઘટી ગઈ છે. ઉપરથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોએ પણ દબાણ વધાર્યું છે. આવી સ્થિતિમાં સરકારની બજેટ ખાધ (Budget Deficit) વધી ગઈ, જેને પહોંચી વળવા માટે સોનું વેચવું પડ્યું છે.

વર્ષ 2026 ના પહેલા બે મહિનામાં જ રશિયાએ જાન્યુઆરીમાં 3 લાખ ઔંસ અને ફેબ્રુઆરીમાં 2 લાખ ઔંસ, એટલે કે કુલ મળીને અંદાજે 14 ટન સોનું વેચી દીધું છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ સોનાનું સૌથી મોટું વેચાણ છે.

આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું રશિયા પાસે હવે સોનું ઓછું થઈ ગયું છે? હા, પણ સંપૂર્ણપણે નહીં. રશિયા પાસે હજુ પણ અંદાજે 74.3 મિલિયન ઔંસ સોનું બચ્યું છે, જે 4 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. તેમ છતાંય, કુલ મળીને રશિયા પાસે 2,000 ટનથી વધુ સોનું છે અને તે વિશ્વનો પાંચમો સૌથી મોટો ગોલ્ડ હોલ્ડર દેશ છે.

બીજો સવાલ કે, સોનું વેચવા પાછળ શું કોઈ મજબૂરી છે કે રણનીતિ? આનો જવાબ 'બંને' છે. મજબૂરી એટલા માટે, કારણ કે ખાધ વધી રહી છે અને રણનીતિ એટલા માટે કારણ કે, અત્યારે સોનાની કિંમત $5,000 પ્રતિ ઔંસથી ઉપર છે. એવામાં રશિયાને પોતાના સોનાની સારી કિંમત મળી રહી છે, જેનાથી વધુ લિક્વિડિટી (રોકડ નાણું) મેળવી શકાય છે.

આ બધા વચ્ચે ત્રીજો સવાલ એ છે કે, રશિયાની બજેટ ખાધ કેટલી વધી ગઈ છે? વર્ષ 2025 માં રશિયાની બજેટ ખાધ GDPના અંદાજે 2.6% સુધી પહોંચી ગઈ, જ્યારે શરૂઆતમાં માત્ર 0.5%નો અંદાજ હતો. કેટલાક નિષ્ણાતોના મતે, વાસ્તવિક ખાધ 3.4%ની આસપાસ હોઈ શકે છે.