
સરકારે કિંમતી ધાતુઓ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સના આયાત (Import) નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવી પોલિસી હેઠળ ગોલ્ડ, પ્લેટિનમ અને તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓને Restricted (પ્રતિબંધિત) કેટેગરીમાં મૂકવામાં આવી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, હવે આ પ્રોડક્ટ્સની આયાત કરવા માટે વિશેષ મંજૂરીની જરૂર પડશે.

જો સરળ શબ્દોમાં કહીએ તો, સરકારે સોનું-પ્લેટિનમ અને તેની સાથે જોડાયેલ ઘણી પ્રોડક્ટ્સના આયાત નિયમો બદલી નાખ્યા છે. હવે તેની ઘણી કેટેગરીને "Restricted" કરી દેવામાં આવી છે. ટૂંકમાં, હવે તેને સીધી રીતે આયાત કરી શકાશે નહીં. આના માટે સરકારી મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. આ નિર્ણય હેઠળ સોના અને પ્લેટિનમની વિવિધ બનાવટો, કિંમતી ધાતુઓ સાથે જોડાયેલા સ્પેરપાર્ટ્સ, ગોલ્ડ ક્લેડ આઈટમ્સ-લેબ તેમજ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લેટિનમ કેટાલિસ્ટ અને બીજી સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ આઈટમ્સ માટે પણ હવે નવા નિયમો લાગુ પડશે.

એવામાં સવાલ એ છે કે, આ 'Restricted' (પ્રતિબંધિત) નો અર્થ શું? Restricted નો અર્થ એ છે કે, હવે આ સામાનની આયાત કરવા માટે સરકાર પાસેથી મંજૂરી (લાઇસન્સ) લેવી પડશે. અગાઉ ઘણી વસ્તુઓ 'Free' કેટેગરીમાં હતી, એટલે કે કોઈ ખાસ રોકટોક વગર તેની આયાત કરી શકાતી હતી. બીજો સવાલ એ કે, શું બધી આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે? ના, આયાત સંપૂર્ણપણે બંધ થઈ નથી પરંતુ હવે દરેક આયાત માટેના નિયમો કડક બની ગયા છે અને સરકારી મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

જૂના કોન્ટ્રાક્ટ કે વ્યવહારો પર રાહત મળશે કે કેમ? આ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જૂના કોન્ટ્રાક્ટ, લેટર ઓફ ક્રેડિટ (LC) અથવા એડવાન્સ પેમેન્ટ જેવી કોઈ પણ બાબતમાં છૂટછાટ આપવામાં આવશે નહીં અને નવા નિયમો તરત જ લાગુ થશે. આ તમામ નિયમોનો અમલ તાત્કાલિક અસરથી (Immediate Effect) શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે, સત્તાવાર દસ્તાવેજોમાં આ ફેરફાર પાછળનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી પરંતુ સામાન્ય રીતે સોનાની આયાત ઘટાડવા, વેપાર ખાધ (Trade Deficit) ઓછી કરવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને અનિયમિત આયાત પર અંકુશ મેળવવા માટે સરકાર દ્વારા આવા કડક પગલાં લેવામાં આવતા હોય છે.

જ્વેલરી સેક્ટર પર આ નિર્ણયની સીધી અસર પડી શકે છે, જેના કારણે સોના અને પ્લેટિનમનો પુરવઠો (સપ્લાય) ખોરવાઈ શકે છે. આયાત પ્રક્રિયા બદલાતા પડતર ખર્ચ વધી શકે છે અને તેના પરિણામે દાગીનાની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. આયાતકારોએ હવે દરેક ટ્રાન્ઝેક્શન માટે લાઈસન્સ અને સરકારી મંજૂરી લેવી પડશે, જેનાથી બિઝનેસ કરવાની પ્રક્રિયા લાંબી તેમજ જટિલ બની શકે છે. આ ઉપરાંત, ઇન્ડસ્ટ્રિયલ યુઝર્સ માટે પણ કાચો માલ મોંઘો થવાની શક્યતા છે.

હવે આની સામાન્ય જનતા પર શું અસર પડશે? તો જણાવી દઈએ કે, સોનાના દાગીના મોંઘા થઈ શકે છે અને રોકાણના દૃષ્ટિકોણથી પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. બીજો સવાલ કે, શું સોનું તરત જ મોંઘું થઈ જશે? વાત એમ છે કે, તરત જ બહુ મોટો ઉછાળો આવે તે જરૂરી નથી પરંતુ જ્વેલરી સેગમેન્ટમાં પ્રીમિયમ વધી શકે છે. લોકલ માર્કેટમાં ભાવ ધીમે-ધીમે વધી શકે છે. અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે, જ્યારે સપ્લાય (પુરવઠો) ઓછો થાય છે, ત્યારે કિંમતોમાં તેજી આવે છે.

લાંબાગાળે સોનાના ભાવમાં શું ટ્રેન્ડ રહેશે? હવે આ તો મુખ્યત્વે ત્રણ પરિબળ (સરકાર આયાત પર કેટલી કડકાઈ રાખે છે, વૈશ્વિક બજારમાં સોનાની કિંમત-ડોલરમાં કેટલી રહે છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ કેવી છે) પર નિર્ભર કરશે. જો સરકાર દ્વારા આયાત પર સતત નિયંત્રણ રાખવામાં આવશે, તો ભારતીય બજારમાં સોનું આંતરરાષ્ટ્રીય ભાવ કરતા મોંઘા દરે વેચાઈ શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતમાં સોનાની માંગ સરળતાથી ઘટતી નથી. સામાન્ય રીતે કિંમતો ઘટતા ખરીદી વધી જાય છે, એટલે કે ભાવ વધશે તો પણ માંગ સંપૂર્ણપણે ક્યારેય ખતમ નહીં થાય. બીજું કે, જો સરકાર આયાત (Import) ના નિયમો સરળ બનાવે, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટે અથવા ડોલર મજબૂત થાય તો કિંમતો નીચે આવી શકે છે. તાજેતરમાં જ જ્યારે ભાવ ઘટ્યા ત્યારે ભારતમાં માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.