
બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન માત્ર ફિલ્મો પૂરતા જ સીમિત નથી. તેઓ રમતગમતમાં પણ ખાસ રસ ધરાવે છે અને પ્રો કબડ્ડી લીગની ટીમ જયપુર પિંક પેન્થર્સના માલિક છે. વર્ષ 2014માં અભિષેકે કબડ્ડીમાં રોકાણ કર્યું હતું. તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો કે તેમણે જયપુર પિંક પેન્થર્સને પસંદ કરવા પાછળ એક ખાસ અને અંગત કારણ પણ છે.

અભિષેક બચ્ચને PwC ઇન્ડિયાના ચેરમેન સંજીવ કૃષ્ણન સાથેની વાતચીત દરમિયાન જયપુર સાથેના પોતાના ખાસ સંબંધ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જયપુર તેમના માટે માત્ર એક શહેર નથી, પરંતુ તેમની જિંદગીની કેટલીક મહત્વપૂર્ણ યાદીઓ સાથે જોડાયેલું છે.

અભિષેકે કહ્યું કે તેમની પહેલી ફિલ્મનો એક ભાગ જયપુરમાં શૂટ કરવામાં આવ્યો હતો. જોકે, આ શહેર સાથે તેમનું સૌથી ખાસ જોડાણ ઐશ્વર્યા રાય સાથે જોડાયેલું છે. અભિષેકના જણાવ્યા અનુસાર, તેમણે અને ઐશ્વર્યાએ જયપુરમાં ડેટિંગ શરૂ કર્યું હતું. આ કારણે જયપુર તેમના માટે ભાવનાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું.

અભિષેકે પોતાની ટીમના નામ 'પિંક પેન્થર્સ' સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે બાળપણમાં તેમના પિતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન તેમને પ્રેમથી 'પેન્થર' કહેતા હતા. આ જ વાત સાથે તેમણે ટીમના નામને પણ એક અંગત જોડાણ તરીકે યાદ કરી હતી. આ ઉપરાંત, ગુલાબી રંગ સાથે પણ અભિષેકની એક ખાસ યાદ જોડાયેલી છે. તેમણે જણાવ્યું કે એક સમયે તેમની દીકરીને ગુલાબી રંગ ખૂબ જ પસંદ હતો. તેથી 'પિંક પેન્થર્સ' નામ તેમના માટે અનેક વ્યક્તિગત યાદોને એકસાથે જોડે છે.

અભિષેક બચ્ચને માત્ર ટીમના માલિક તરીકે જ પોતાની ભૂમિકા નિભાવી નહોતી. તેઓ શરૂઆતના સમયમાં ખેલાડીઓ સાથે ખૂબ નજીકથી જોડાયેલા રહ્યા હતા. મેચ પહેલાં તેઓ ખેલાડીઓ સાથે સમય પસાર કરતા, તેમની ટ્રેનિંગ જોતા અને તેમના ડાયટનું પણ ધ્યાન રાખતા હતા. અભિષેકે મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે ખેલાડીઓને આપવામાં આવતા બટાકાના પરાઠા જોઈને પણ તેઓ સવાલ કરતા હતા. તેમની કોશિશ માત્ર ટીમને સપોર્ટ કરવાની નહોતી, પરંતુ ખેલાડીઓ સાથે એક પરિવાર જેવી ટીમ બનાવવાની હતી.

અભિષેકે ટીમની શરૂઆતના દિવસો સાથે જોડાયેલી એક મજેદાર ઘટના પણ યાદ કરી હતી. ટીમની પહેલી મેચ દરમિયાન સ્ટેડિયમમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક મોટા સ્ટાર્સ હાજર હતા. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા જાણીતા ચહેરાઓને પોતાની સામે બેઠેલા જોઈને ખેલાડીઓ પર અલગ જ પ્રકારનું દબાણ આવી ગયું હતું.

અભિષેકના જણાવ્યા અનુસાર, ખેલાડીઓ માટે આટલા મોટા સ્ટાર્સની સામે રમવું એક અલગ અનુભવ હતો. શરૂઆતમાં તેમનું ધ્યાન રમત કરતાં સ્ટેડિયમમાં હાજર સેલિબ્રિટીઝ તરફ વધુ જતું હતું. આ ઘટનાને અભિષેકે આજે પણ એક મજેદાર યાદ તરીકે યાદ કરી હતી.

જયપુર પિંક પેન્થર્સ સાથેનો અભિષેક બચ્ચનનો સંબંધ માત્ર બિઝનેસ સુધી સીમિત નથી. જયપુર સાથે જોડાયેલી તેમની ફિલ્મી સફર, ઐશ્વર્યા રાય સાથેની પ્રેમકથાની શરૂઆત અને પરિવાર સાથેની અનેક યાદો આ શહેરને તેમના માટે વધુ ખાસ બનાવે છે. કબડ્ડી ઉપરાંત અભિષેક બચ્ચન રમતગમતના અન્ય ક્ષેત્રમાં પણ રસ ધરાવે છે અને તેઓ એક ફૂટબોલ ટીમ સાથે પણ જોડાયેલા છે. આ રીતે ફિલ્મી કારકિર્દી સાથે રમતગમત પ્રત્યેનો તેમનો જુસ્સો પણ સતત જોવા મળે છે.