
બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું, “આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભારતનો દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય. દેશના સર્વે પ્રશ્નોનું વહેલું નિરાકરણ થાય. સહુ દેશવાસી સુખી થાય. દેશની આઝાદી માટે ગુરુ યોગીજી મહારાજ રોજ 25 માળા ફેરવતા. દેશ મારા માટે શું કરશે એવું નહિ, પણ હું દેશ માટે શું કરી શકું એવી ભાવના હશે તો ભારત દેશ જરૂર આગળ આવશે.” આશીર્વચન બાદ, સૌ સંતો અને ભક્તોએ ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી.

આજે આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ જ્યાં ઉજવાયો તે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી એક મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે જે ભારતની સમૃદ્ધ વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર છે. આ માત્ર ઉપાસના સ્થળ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ છે, જે વિશ્વભરમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષે છે.