
ભારતમાં લોકો લાંબા અંતર કાપવા માટે અન્ય કોઈપણ માધ્યમને બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેન મુસાફરી ઓછી ખર્ચાળ અને આરામદાયક છે. જોકે આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગના લોકો એ હકીકતથી અજાણ છે કે ટ્રેન ટિકિટ ફક્ત મુસાફરી માટે જરૂરી નથી, પરંતુ તેની મદદથી તમે ભારતીય રેલવે તરફથી ભોજનથી લઈને રહેવા સુધીની ઘણી સુવિધાઓ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે મેળવી શકો છો.

રહેવાની વ્યવસ્થા: જો તમે તમારી મુસાફરી દરમિયાન રહેવા માટે સારી હોટેલ અથવા હોમસ્ટે શોધી રહ્યા છો તો ભારતીય રેલવે તમારી કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે IRCTC ડોર્મિટરીમાં રહેવાની વ્યવસ્થા કરે છે. તમે ફક્ત 150 રૂપિયા ખર્ચ કરીને 24 કલાક માટે બેડ અને ખાનગી વોશરૂમ મેળવી શકો છો.

બેડશીટ અને ધાબળો: ભારતીય રેલવે તેના એસી કોચના મુસાફરોને તેમના બર્થ પર ઓશીકું, બેડશીટ અને ધાબળો આપે છે. એટલું જ નહીં ગરીબ રથમાં પણ આ બધી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. જો કોઈ કારણોસર તમને એસી કોચમાં આ બધી વસ્તુઓ મળતી નથી, તો તમે તમારી ટ્રેન ટિકિટ બતાવીને આ વસ્તુઓનો લાભ લઈ શકો છો. ગુડ ન્યૂઝ એ છે કે તમારે આ માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી.

મેડિકલ ઇમરજન્સી: જો કોઈ મુસાફર ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાય તો IRCTC તેને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. તેણે ફક્ત 139 પર કૉલ કરવાનો રહેશે અથવા ટ્રેનમાં હાજર સ્ટાફની મદદ લેવાની રહેશે.

મફત ભોજન સુવિધા: IRCTC તેની કેટલીક પ્રીમિયમ ટ્રેનો જેમ કે રાજધાની, દુરંતો, શતાબ્દીમાં મુસાફરી કરતા મુસાફરોને મફત ભોજન સેવા પૂરી પાડે છે. એટલું જ નહીં જો કોઈ ટ્રેન કોઈપણ કારણોસર 2 કે તેથી વધુ કલાક મોડી પડે છે, તો મુસાફરોને IRCTC કેન્ટીનમાં મફત ભોજન આપવામાં આવે છે.

લોકર રૂમ: ઘણી વાર એવું બને છે કે મુસાફરી દરમિયાન ટ્રેનો મોડી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે તેમના સામાન સાથે ફરવું મુશ્કેલ બની શકે છે. પરંતુ જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ હોય, તો તમે ભારતીય રેલવેના લોકર રૂમ અને ક્લોકરૂમનો ઉપયોગ કરી શકો છો. તમને આ સુવિધા બધા સ્ટેશનો પર ખૂબ જ ઓછા દરે મળશે જ્યાં તમે તમારો સામાન 24 કલાક રાખી શકો છો.

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વીમો: ભારતીય રેલવે ટિકિટ બુકિંગ સમયે ફક્ત 45 પૈસા ખર્ચ કરીને તેના મુસાફરોને 10 લાખ રૂપિયા સુધીનો મુસાફરી વીમો પૂરો પાડે છે. જે કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં મુસાફરના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડે છે.