Gujarati News Photo gallery 1000 treatment centers in state more than 600 veterinary doctors and more than 8000 volunteers will be deployed for birds injured by sharp kite strings
પતંગના ધારદાર દોરાથી ઈજા પામેલા પક્ષી માટે રાજ્યમાં 1000 સારવાર કેન્દ્ર, 600થી વધુ વેટરનિટી તબીબો, 8000થી વધુ સ્વયંસેવકો ખડેપગે
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
1 / 6
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાઅને નિર્દેશનમાં રાજ્યવ્યાપી કરૂણા અભિયાન આગામી 20મી જાન્યુઆરી- 2025 સુધી યોજાઈ રહ્યું છે.
2 / 6
રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર "Hi" મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.
3 / 6
કરુણા અભિયાન-2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
4 / 6
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લાં આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97200થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના 31400થી વધુ પશુઓને તેમજ 65700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.
5 / 6
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13800 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4400થી વધુ પશુઓ અને 9300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.
6 / 6
છેલ્લા 08 વર્ષમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17600, સુરત જિલ્લામાં 13300થી વધુ, વડોદરા જિલ્લામાં 10700થી વધુ, રાજકોટ જિલ્લામાં 8300થી વધુ, આણંદ જિલ્લામાં 6800થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં 6100થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.
Published On - 1:37 pm, Tue, 14 January 25