નેતાઓનો પરસ્પર પ્રભાવ: ગાંધી, સુભાષ, ચર્ચિલ, હિટલર લેનિનથી બાઈડન, પુતિન અને મોદી સુધી!

|

Nov 29, 2022 | 6:08 PM

એકવીસમી સદીના જુદા જુદા નેતાઓની તરાહ જુદી છે. યુરોપ અને એશિયાના કેટલાક સંગઠનો પણ છે. ઈસ્લામિક દેશોનો પોતાનો ચોકો છે પણ છેવટે તો દરેક દેશ એકબીજાની સાથે અને સામે કેવી રીતે વર્તે છે તેના પર વૈશ્વિક અસર રહે છે.

નેતાઓનો પરસ્પર પ્રભાવ: ગાંધી, સુભાષ, ચર્ચિલ, હિટલર લેનિનથી બાઈડન, પુતિન અને મોદી સુધી!
PM Modi, Putin and Joe Biden

Follow us on

દરેક દેશને પોતાના નેતા હોય છે. આપણે ગાંધી, નેહરુ, સુભાષ, લાલબહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી અને હવે નરેન્દ્ર મોદી સુધીની નેતાગીરીનો અનુભવ લીધો છે. તેવું બીજા દેશોનું પણ છે. પાકિસ્તાનને જનાબ મોહમ્મદઅલી જીન્નાહ જેવો સમર્થ નેતા આટલા વર્ષે પણ મળ્યો નથી. મ્યાંમાર આ રીતે બડભાગી છે. આંગ સેનથી આંગ સેન સુ કી સુધીનું નેતૃત્વ તેને મળ્યું. બાંગલાદેશ શેખ મુઝિબુર રહેમાનને યાદ કરે છે, ફાંસીએ ચઢેલા ઝુલ્ફીકાર અલી ભૂટોને પાકિસ્તાનમાં કોઈ યાદ કરતું નથી, પછી અયુબખાન, યાહયાખાન, કે નવાઝ શરીફ અને બેનઝીરનું સ્મરણ પાકિસ્તાની શા માટે કરે?

અમેરિકી અખબાર આમ તો વિવાદાસ્પદ રહ્યું છે પણ થોડાક વર્ષો પૂર્વે તેણે એક લેખમાળા આપી હતી. શીર્ષક હતું: portraits of power: who shaped the twentieth century. એક શ્વાસે કેટલાક નામ હોઠ પર આવી જાય એડોલ્ફ હિટલર,વિન્સ્ટ્ન ચર્ચિલ, મોહનદાસ કરમચંદ ગાંધી, જોસેફ સ્ટેલિન, ચાર્લ્સ દ’ ગોલ, જોસેફ બ્રોઝ ટિટો, ગમાલ અબ્દુલ નાસર, ડેવિડ-ગુરિયન,જોન એફ. કેનેડી, માઓ-ત્સે-તુંગ. આ યાદી અધૂરી છે. હેન્રી ફોંડાએ 26 ભાગમાં ટીવી ફિલ્મમાળા બનાવી તેમાં બીજા કેટલાક નામો પણ છે: હેરી ટૃમેન, હિરોહિતો, ફ્રાંકો, કોનાર્દ એડેનોર, મોહમ્મદ પહેલવી, આઈઝેન હોવર, નિકિતા કૃશ્ચેફ.

ગયા સપ્તાહે 92 વર્ષના મીખાઈલ ગોરબાચોફનું અવસાન થયું. રશિયામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે તેણે અમાનુષી સામ્યવાદને હચમચાવીને જમીનદોસ્ત કરી દીધો. લેનિન અને સ્તાલિન સહિતની ભવ્ય પ્રતિમાઓ લોકોએ તોડી પાડી. યુ.એસ.એસ.આર ભૂતકાળ બની ગયો, વિવિધ દેશો સ્વાધીન બન્યા અને પુરોગામી નેતાઓ તો બધે સેનાનું આક્રમણ કરીને ફરજિયાત ભેળવી દીધા હતા, તેની સ્વાધીનતા સામે લશ્કરનો ઉપયોગ કર્યો નહીં. પેરિસ્ત્રોઇકા અને ગ્લાસનોસ્ત અપનાવીને દુનિયાના તખતા પર ઘોષણા કરી કે શાંતિનો કોઈ વિકલ્પ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અમેરિકાની સાથે સંધિ કરી. અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સેના પાછી બોલાવી લીધી, સ્તાલિનના સમયથી જે “ગુલાગ” જેલખાનામાં લાખો નાગરિકો, લેખકો, રાજકીય નેતાઓ, સબડી રહ્યા હતા તેને મુક્ત કર્યા. બોલવા, વાંચવા, લખવા, વિચારવા પરના પ્રતિબંધો હટાવી લેવાયા. સ્વાધીન પ્રેસ પ્રતિષ્ઠિત થયું. આટલા ધરખમ ફેરફારો દુનિયાના કોઈ નેતાએ ભાગ્યે જ કર્યા હતા.

એકવીસમી સદીના જુદા જુદા નેતાઓની તરાહ જુદી છે. યુરોપ અને એશિયાના કેટલાક સંગઠનો પણ છે. ઈસ્લામિક દેશોનો પોતાનો ચોકો છે પણ છેવટે તો દરેક દેશ એકબીજાની સાથે અને સામે કેવી રીતે વર્તે છે તેના પર વૈશ્વિક અસર રહે છે. ટચૂકડા દેશોનું ખાસ કઈ નીપજતું નથી. મ્યાંમાર બર્મામાં સૈનિકી શાસન છે અને આંગ સેન સુ કીની પ્રજાકીય લોકશાહીને ઉખેડીને કત્લેઆમ કરી રહ્યું છે પણ કોઈ તેની સાથે જતું નથી.

તિબેટ તો 1950થી ચીને પોતાનો ભાગ બનાવી દીધું. દલાઈ લામા અને તિબેટીઓની ત્રણ પેઢી ભારતમાં શરણાર્થી બનીને રહે છે. શ્રીલંકાનો આંતરિક મામલો લાગે પણ ચીન તેમાં સક્રિય છે. એશિયામાં ભારત અને ચીન મિત્રો હોવા જોઈએ તે રહ્યા નથી. એક સમયે બંને દેશના નેતાઓ જવાહરલાલ નેહરુ અને ચાઓ એન લી પંચશીલના કરાર કરીને શાંતિના કબૂતર ઉડાડયાં હતા પણ તે પછી તરત 1962માં ચીની આક્રમણ થયું, હજુ તેના હાથમાં ભારતીય વિસ્તારો છે. ભારતનું નાક દબાવવા પાકિસ્તાનને મદદ કરે છે.

દરેક નેતાઓ પોતાની ખાસિયત પ્રમાણે વર્તે છે. બાઈડન પૂર્વે ટ્રમ્પ હતા, બંનેની તાસીર અમેરિકી મિજાજ પ્રમાણેની છે. લિંકન, રૂઝવેલ્ટ, કેનેડી હવે ભૂતકાળના પાત્રો બની ગયા. વોટર ગેટ કૌભાંડ હવે નાનું લાગે છે. પાડોશી દેશ ક્યુબા માટે દુનિયાના સામ્યવાદીઓ હજુ સુધી પોરસાતા હતા, ફિડલ કાસ્ટ્રોના અવસાન પછી એવું રહ્યું નથી. ચીનના રસ્તે ભારતમાં માઓવાદી અને અરબન નક્ષલ હજુ અરાજકતા અને ખુનામરકી કરતા રહ્યા છે.

પુતિનને નાટો સંગઠનથી સુરક્ષિત થવા યુક્રેન પર ગમે તેમ કબ્જો મેળવવો છે, ત્રીજા વિશ્વયુદ્ધ માટે યુક્રેન અને બીજા કેટલાક કેન્દ્રો એવા છે કે ચીન, રશિયા, અમેરિકાની વચ્ચે સંઘર્ષની સ્થિતિ ક્યારે મોટા વિસ્ફોટમાં બદલાશે તેનો કોઈને અંદાજ નથી. બધા પોતાના ખતરનાક યુદ્ધો સાથે તૈયાર છે અને કહે છે કે અમે શાંતિ માટે આવું કરી રહ્યા છીએ! શું આ દેશોના નેતાઓને બીજા દેશોના નેતાઓ સમજાવી શકશે? રશિયા અને અમેરિકા જોકે ભારત વિશે ગંભીર છે અને ઉપેક્ષિત કરવું પોસાય તેમ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે આવડી મોટી લોકશાહીને સફળતાથી જાળવી રહ્યા છે અને પાકિસ્તાન કે ચીન કોઈ મોટો ઉત્પાત કરી શક્યા નથી તેને લીધે કૂટનીતિક સંપર્કો અને સંબંધો સ્વાભાવિક બની રહ્યા છે ઈઝરાયેલ, જાપાન, ભારતનો ત્રિકોણ રાજકીય રીતે ભારે મહત્વનો છે તે આ ત્રણે દેશોના નેતાઓ બરાબર જાણે છે. જાપાને તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને રાસવિહારી બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફોજની રચના માટે ભારતીય યુદ્ધ કેદીઓ સુપરત કર્યા હતા અને ર્ંગુનમાં આઝાદ હિન્દ સરકારની રચનાને ટેકો આપ્યો હતો.

ભારતીય ઉપખંડમાં નેતૃત્વની દ્રષ્ટિએ કઈંક અંશે બાંગ્લા દેશ સિવાય બીજા દેશો પાસે પ્રભાવી નેતૃત્વ નથી. શ્રીલંકામાં ક્યારે, કોણ સત્તા પર રહેશે કે જશે તે નક્કી નથી. પાકિસ્તાનમાં પણ એવુ જ છે. નેપાળ પર ચીની નજર છે, એટ્લે આ સંજોગોમાં ભારતીય લોકશાહી, તેની ચૂંટણીઓ, તેના પક્ષો, રાજકીય અરાજકતા અને અંધાધૂંધી વગેરે પર દુનિયાના દેશોની નજર છે. નરેન્દ્ર મોદીના પ્રબળ નેતૃત્વને તેઓ ચકાસી રહ્યા છે. રાષ્ટ્રીય એકતા અને અખંડપણા માટેના પ્રયાસો અને પરિણામોનો પૂરો અંદાજ પણ છે. એ દ્રષ્ટિએ આગામી ચૂંટણીઓ મહત્વની બની રહેવાની છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article