તખતો તૈયાર: મોદી અને હાલકડોલક મહાગઠબંધન!

|

Aug 16, 2022 | 10:04 PM

2024ની ચૂંટણીમાં તમામ વિરોધ પક્ષોનો એક મોરચો બનાવવો અને નરેન્દ્ર મોદી તેમજ ભાજપને હરાવીને દિલ્લી દરબારમાં સ્થાપિત થવાનો છે. નીતિશ કુમાર ભૂતકાળમાં વડાપ્રધાન બનવાના અને પછી ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીના સપના જોઈ ચૂક્યા છે.

તખતો તૈયાર: મોદી અને હાલકડોલક મહાગઠબંધન!
PM Narendra Modi (File Image)
Image Credit source: File Image

Follow us on

બિહાર (Bihar) ઘટનાનો ઈરાદો એકલી પ્રદેશ-સરકાર પૂરતો નથી. ભારે જોખમ ખેડીને નીતિશ-તેજસ્વી જેવી જેડીયુ (JDU) અને આરજેડીની (RJD) બે તલવારો એક મ્યાનમાં ભેગી થઈ છે. અગાઉ પણ આવો જ પ્રયોગ થયો તે સાવ નિષ્ફળ ગયો હતો પણ આ વખતે સ્થિતિ જરા જુદી છે.

જુદી એટલે શું..? 2024ની ચૂંટણીમાં તમામ વિરોધ પક્ષોનો એક મોરચો બનાવવો અને નરેન્દ્ર મોદી તેમજ ભાજપને હરાવીને દિલ્લી દરબારમાં સ્થાપિત થવાનો છે. નીતિશ કુમાર ભૂતકાળમાં વડાપ્રધાન બનવાના અને પછી ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીના સપના જોઈ ચૂક્યા છે. અત્યાર સુધી તો તેમાં રાજકીય શેખચલ્લી પૂરવાર થયા પણ બિહારમાં નવી સરકાર રચ્યા પછી તેમને લાગે છે કે જે બિહારમાં લાલુપ્રસાદ યાદવ, ઈન્દિરા ગાંધી, બીજી નાની મોટી પાર્ટી એકઠી થઈ શકતી હોય તો કેન્દ્રીય સ્તરે એવું કેમ ના બને?

અત્યાર સુધીમાં એવી કોશિશો સફળ ના થઈ. મૂળ મુદ્દો રાષ્ટ્રીય સ્તરનો કોંગ્રેસને બદલે પ્રાદેશિક પક્ષના નેતાને ‘મહાગઠબંધન’ કે ‘યુપીએ’ના સર્વોચ્ચ નેતા બનાવવાનો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તે વાત માનતા નથી અને તેમાં વજુદ એ પણ છે કે આજ સુધીના ભારતીય રાજકારણમાં યુપીએ કે એનડીએનું નેતૃત્વ કોઈ પ્રાદેશિક પક્ષના નેતાને સોંપાયું નથી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પણ તેની સાથે જ મોટો મુદ્દો એ પણ છે કે કોંગ્રેસ કાગળ પરનો રાષ્ટ્રીય પક્ષ બની ગઈ છે. એકાદ-બે રાજ્યો સિવાય તેમની પાસે ક્યાંય સત્તા નથી. તેનાથી વિપરીત આંધ્ર, તમિલનાડુ, પંજાબ, દિલ્લી, ઓરિસ્સા, બંગાળમાં પ્રાદેશિક પક્ષો રાજ કરે છે અને બાકીના રાજ્યમાં ભાજપનું વર્ચસ્વ છે.

એટલે તો કોંગ્રેસનું નેતૃત્વ અમાન્ય રાખવાનો ઈરાદો વારંવાર જાહેર થતો રહેતો. તૃણમૃલના મમતા બેનર્જીને લાગે છે કે પોતે આ મહાગઠબંધન (થાય તો!)માં સૌથી શક્તિશાળી છે. દક્ષિણમાં આંધ્રનો એવો દાવો પુરાણો છે. ચંદ્રાબાબુ અને એન.ટી.રામારાવ પ્રવત્ત હતા હવે નવા મુખ્યમંત્રી પણ એવું જ કરે છે. તમિલનાડુમાં કરુણાનિધિ-પુત્ર સ્ટાઈલન પણ સ્પર્ધામાં છે.

શરદ પવારે શિવસેના સાથે જોડાણ કરીને મહારાષ્ટ્રમાં સત્તા પ્રાપ્ત કરી તે પહેલા યુપીએના સર્વોચ્ચ નેતા બનવાની પેરવી કરી હતી પણ કોંગ્રેસ ખાસ કરીને સોનિયા ગાંધી પરિવારને કાયમી ડંખ છે કે આ શરદ પવારે જ વિદેશી કુળનાં સોનિયા વડાપ્રધાન બને તેનો વિરોધ કરીને કોંગ્રેસમાંથી અલગ થઈને એનસીપીની રચના કરી હતી. હવે જો કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે તો શરદ પવારને પોતાના પક્ષનો વિંટોળો કરી લેવામાં જરીયે નાનપ નહીં લાગે.

આમાં મહાગઠબંધન થાય તો નીતિશકુમારને પસંદ કરાય ખરા? જવાબ અઘરો છે. હા, લાલુપ્રસાદ યાદવ એવી વેતરણમાં છે તે બિહારમાં તેની વારસદારી જ જળવાય. પહેલાં લાલુ, પછી રાબડી દેવી અને હવે તેજસ્વી પ્રસાદ. ભલે આજે તે ઉપમુખ્યમંત્રી હોય, જલદીથી ‘બિહારના નાથ’ની ગાદી પર આવે તેવી યોજનાઓ તૈયાર જ છે. નીતિશકુમારને,,,અગાઉ હતા તેમ કેન્દ્રમાં મોકલવાનો ખેલ છે તેનો પ્રથમ ભાગ ‘યુપીએના નેતૃત્વ’નો પછી વડાપ્રધાનપદનો. નીતિશે ફાંકો મારી દીધો કે જે 2014માં સરકારમાં હતા તે કેન્દ્રમાં 2024માં નહીં હોય તો કોણ હશે? કૌન બનેગા વડાપ્રધાન? સોનિયા ગાંધી? રાહુલ ગાંધી? પ્રિયંકા વાડ્રા? મમતા બેનરજી? શરદ પવાર? નીતિશ કુમાર? હજુ બીજા પણ કતારમાં ઉભા છે.

મૂળમાં મૂળચંદ એ વાતનું કે નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએને હરાવીને, આ તમામ પક્ષો ભેગા મળે તો યે સત્તા પર આવી શકે તેમ છે ખરા? મોદીની લોકપ્રિયતાને ગ્રાફ નીચે ઉતરવાને બદલે ઊંચે પહોંચવા લાગ્યો. એવા ઘણાં કલ્યાણ કાર્યો અને નિર્ણયો છે, જે તેમની તરફેણમાં જાય છે એટલું જ નહીં પણ “આ તો માત્ર નરેન્દ્ર મોદી જ કરી શકે” તેવી દઢ માન્યતા પ્રવર્તે છે. યુવાનો અને મહિલાઓને આ નેતૃત્વ પ્રત્યેનો આગ્રહ અને આદર છે. તેમાં બાકોરાં પડ્યા નથી.

બીજી મહત્વની વાત ભાજપ ‘ઈન્ટેક્ટ’ છે, તેમાં તૂટ પડી નથી. તેમાં કોંગ્રેસ અને બીજા પક્ષોમાંથી મોટો નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, બીજા તૈયાર છે. બીજી તરફ કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ કોંગ્રેસીને રાજ્યસભામાં જવા માટે અ-પક્ષ બનવાનું મુનાસિબ લાગ્યું. ગુલામનબી આઝાદ સહિત બીજા ઘણા ચૂપ છે અને નારાજ છે.

મોદીનું મગજ 24 કલાક ગતિશીલ રહે છે એવું બીજા પક્ષોના નેતાઓમાં રહેતું હશે ખરું? તિરંગા યાત્રાનો 13થી 15 ઓગસ્ટનો દેશવ્યાપી ઉત્સવ જુઓ, 1947થી જ્યાં સુધી કોંગ્રેસે કેન્દ્રમાં શાસન કર્યું, ત્યારે કોઈ દિવસ પ્રજાના દિલ-દિમાગમાં પડેલા રાષ્ટ્રપ્રેમને અભિવ્યક્ત કરતો આવો ઉત્સવ યોજનાની કલ્પના પણ નહોતી કરી. પ્રજા સાથેના ‘બેસ્ટ કોમ્યુનિકેટર’ જેમ ગાંધીજી હતા, આજે નરેન્દ્ર મોદી તેમને પોતાની શૈલીથી અનુસરી રહ્યા છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Published On - 10:02 pm, Tue, 16 August 22

Next Article