વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓ પણ બની શકે છે માતા, સરકારે સરોગસી કાયદામાં કર્યો સુધારો
સરોગસી કાયદામાં ફેરફાર કરીને કેન્દ્ર સરકારે વિધવા અથવા છૂટાછેડા લીધેલને માતા બનવાનો અધિકાર આપ્યો છે. વિધવા અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓ હવે સરોગસી પ્રક્રિયા દ્વારા આ લાભ મેળવી શકે છે, અને સરકારે તબીબી પરિસ્થિતિઓના આધારે ઇચ્છુક યુગલોને ડોનર ગેમેટનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે.

દુનિયાનો સૌથી મોટો સંબંધ માતાનો તેના બાળક સાથે છે. એવું કહેવાય છે કે સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ બને છે, જ્યારે તે માતા બને છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રીના છૂટાછેડા થઈ જાય અથવા તેના પતિનું અવસાન થઈ જાય ત્યારે સ્ત્રીનું આ સ્વપ્ન કેવી રીતે સાકાર થાય ? ત્યારે હવે કેન્દ્ર સરકારે આ માટે વ્યવસ્થા કરી છે.
સરોગસી કાયદામાં ફેરફાર કરીને કેન્દ્ર સરકારે વિધવા અથવા છૂટાછેડા લીધેલને માતા બનવાનો અધિકાર આપ્યો છે. વિધવા અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓ હવે સરોગસી પ્રક્રિયા દ્વારા આ લાભ મેળવી શકે છે, અને સરકારે તબીબી પરિસ્થિતિઓના આધારે ઇચ્છુક યુગલોને ડોનર ગેમેટનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે.
સરકારે સરોગસી કાયદામાં સુધારો કરીને એકલી મહિલાને માતા બનવાનો અધિકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને સરોગસીના બંને પાસાઓમાં ફેરફાર કરવા કહ્યું હતું, ત્યારબાદ સરકારે સરોગસી એક્ટ-2022માં સુધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સરોગસી દ્વારા માતા બનવાની 44 વર્ષની અપરિણીત મહિલાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી સરોગસીની ફરી ચર્ચા થવા લાગી. કોર્ટે આ મામલે કહ્યું હતું કે અપરિણીત મહિલાને આ અધિકાર આપવો ભારતના સામાજિક માળખા માટે યોગ્ય નથી.
પરંતુ આ અધિકાર વિધવા અને છૂટાછેડા લીધેલ મહિલાઓને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તબીબી બિમારીથી પીડિત દંપતી માટે બંને ગેમેટ હોવું ફરજિયાત નથી, એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો પતિ અથવા પત્નીમાંથી એક હોવું જરૂરી છે, જ્યારે અન્ય દાતા ગેમેટ હશે. જો કે, આવા કિસ્સામાં તમારે ડિસ્ટ્રિક્ટ મેડિકલ બોર્ડની પરવાનગી લેવી પડશે.
સિંગલ મહિલાઓ માટે શું છે નિયમ ?
વિધવા અથવા છૂટાછેડા લીધેલ એકલ મહિલાના કેસમાં કરવામાં આવેલો ફેરફાર પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરોગસી (રેગ્યુલેશન) એક્ટની કલમ 2(c)ની માન્યતાને પડકારવામાં આવી હતી અને કોર્ટે સરકારને ફેરફાર કરવા જણાવ્યું હતું.
હવે સિંગલ મહિલાઓ (વિધવા અથવા છૂટાછેડા લીધેલ)ને સરોગસી પ્રક્રિયાનો લાભ લેવા માટે ડોનરના સ્પર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમની ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. લિવ-ઇન કપલ્સ માટે આ સુવિધા આપવામાં આવી નથી.
