
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ, ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પગ મૂકીને ઇતિહાસ રચી નાખ્યો છે. તેઓ અહીં પહોંચનારા ભારતના બીજા અવકાશયાત્રી પણ છે. તેઓ છેલ્લા 12 દિવસથી અવકાશ મથક પર જે મિશન માટે ગયા છે તેનુ કામ કરી રહ્યાં છે. શુભાંશુ શુક્લા અવકાશમાં અનેક પ્રકારના સંશોધન કરી રહ્યા છે. 12 દિવસના રોકાણ પછી, શુભાંશુ શુક્લા અને તેમના સાથીઓ હવે કોઈપણ દિવસે પૃથ્વી પર પરત ફરી શકે છે. તેમની પરત યાત્રા અમેરિકાના ફ્લોરિડા કિનારે હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.
એક્સિઓમ-4 મિશન 14 દિવસ ચાલશે. આ જ કારણ છે કે અત્યાર સુધી નાસાએ એક્સિઓમ-4 ને સ્પેસ સ્ટેશનથી અલગ કરવાની તારીખ જાહેર કરી નથી. જો ફ્લોરિડામાં હવામાન સારું રહેશે, તો નાસા ટૂંક સમયમાં સ્પેસ મિશનને અનડોક કરવાની તારીખ જાહેર કરશે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ બુધવારે એક્સિઓમ સ્પેસના મુખ્ય વૈજ્ઞાનિક લ્યુસી લો સાથે વાત કરી. આ વાતચીતમાં શુભાંશુએ કહ્યું, ‘મને ખૂબ ગર્વ છે કે ISRO દેશભરની રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ કરી શક્યું છે અને કેટલાક મહાન સંશોધન કરી શક્યું છે. હું બધા વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે સ્ટેશન પર આ કાર્ય કરી રહ્યો છું. તે રોમાંચક અને આનંદની વાત છે.’
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના મિશનના છેલ્લા અઠવાડિયામાં છે. તેમણે એક અભ્યાસના ભાગ રૂપે અવકાશમાં ખેતી કરવાનો પ્રયાસ કર્યો છે. શુભાંશુએ સ્પેસ સ્ટેશનમાં મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે. તેમણે પેટ્રી ડીશમાં અંકુરિત થતા બીજના ફોટા પણ લીધા છે અને તેને સ્ટોરેજ ફ્રીઝરમાં રાખ્યા છે.
ઝિઓમ સ્પેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બીજ પૃથ્વી પર પાછા ફર્યા પછી ઘણી પેઢીઓ સુધી ઉગાડવામાં આવશે, અને સંશોધકો તેમના આનુવંશિકતા, માઇક્રોબાયલ ઇકોસિસ્ટમ અને પોષણ પ્રોફાઇલમાં ફેરફારોનો અભ્યાસ કરશે. ભવિષ્યના ચંદ્ર અથવા મંગળ મિશન માટે, અંતરિક્ષમાં કરેલ પ્રયોગ ટકાઉ ખેતી તરફનું એક મોટું પગલું છે.
આ સમગ્ર મિશનમાં, શુભાંશુ શુક્લા માત્ર અવકાશયાત્રી તરીકે જ નહીં પરંતુ એક વૈજ્ઞાનિક અને ખેડૂત તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શરૂઆતથી જ, તેઓ ઘણા પ્રકારના પ્રયોગોમાં રોકાયેલા છે.
Published On - 2:03 pm, Thu, 10 July 25