Breaking News : દિલ્હીનો હુમલો અમે કરાવ્યો, પીઓકેના ભૂતપૂર્વ વડા પ્રધાને કરી કબૂલાત, જૂઓ વીડિયો

દિલ્હી વિસ્ફોટ અંગે પાકિસ્તાનમાં એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને જબરજસ્તીથી પચાવી પાડેલા ભારતના કાશ્મીરના એક ભાગના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકનો એક વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવ્યો છે. આ વીડિયોમાં તે દિલ્હી-કાશ્મીરના વિસ્ફોટમાં પાકિસ્તાનનો સીધો હાથ હોવાની વાત કરે છે. દિલ્હીના લાલ કિલ્લાના વિસ્ફોટની તપાસ કરતી, કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધી પુષ્ટિ કરી છે કે આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Breaking News : દિલ્હીનો હુમલો અમે કરાવ્યો, પીઓકેના ભૂતપૂર્વ વડા પ્રધાને કરી કબૂલાત, જૂઓ વીડિયો
| Edited By: | Updated on: Nov 20, 2025 | 2:44 PM

દિલ્હીના લાલ કિલ્લાની બહાર, ગત 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હજુ પણ ચાલુ છે. પરંતુ પાકિસ્તાને પચાવી પાડેલા ભારતના કાશ્મીરના એક ભાગના (પીઓકે)ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવ્યો છે.

આ વીડિયોમાં, ચૌધરી અનવરુલ હક આતંકવાદી હુમલાને ખુલ્લેઆમ સમર્થન આપવાની સાથોસાથ, તેમા પાકિસ્તાનની સીધી સંડોવણી હોવાનો પણ દાવો કરે છે. ચૌધરી અનવરુલ હકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો તણાવ ઉમેરી રહ્યું છે.

લાલ કિલ્લાથી કાશ્મીર સુધી હુમલાની ધમકી

એક વાયરલ વીડિયોમાં, ચૌધરી અનવરુલ હક, વિધાનસભાને સંબોધતા જોવા મળે છે. જેમાં તેઓ કહે છે કે, “જો બલુચિસ્તાનમાં રક્તપાત ચાલુ રહેશે, તો અમે લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી ભારતને જવાબ આપીશું, અને અમે કર્યું છે. આજે પણ, તેઓ લાશો ગણી રહ્યા છે.” ચૌધરી અનવરુલ હક શાહીન નામથી આતંકવાદીઓને સંબોધે છે અને દાવો કરે છે કે, સશસ્ત્ર આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

તેમણે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હકના ભાષણને પાકિસ્તાનના આતંકવાદને સમર્થનનો સ્પષ્ટ પુરાવો માનવામાં આવી રહ્યો છે. તેમના નિવેદન બાદ, તેમને તાજેતરમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પીઓકેના વડા પ્રધાન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

તપાસમાં જૈશ મોડ્યુલની પુષ્ટિ

દિલ્હી વિસ્ફોટની તપાસ કરતી એજન્સીઓએ અત્યાર સુધીની તપાસ બાદ એ વાતની પુષ્ટિ કરી છે કે, આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં 13 થી વધુ લોકોના મોત થયા છે. સુરક્ષા વિશ્લેષકો માને છે કે, આ હુમલો દર્શાવે છે કે પાકિસ્તાન ભારતના અન્ય વિસ્તારોમાં અસ્થિરતા ફેલાવવા માટે અસ્થાયી રૂપે જમ્મુ અને કાશ્મીરથી પોતાનું ધ્યાન હટાવી રહ્યું છે. આના માટે દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન અને નવી રણનીતિની જરૂર પડી છે.

નકલી સમાચાર, ભડકાઉ સામગ્રી અને ISI ની ભૂમિકા

તપાસ એજન્સીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં સતત નકલી સમાચાર ફેલાવી રહ્યા છે. આ ખોટા અને ભડકાઉ સમાચાર મારફતે યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા ISI ભારતમાં મોટા પાયે નવું મોડ્યુલ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનથી કાર્યરત આતંકવાદી સંગઠનોની ભૂમિકાનો પર્દાફાશ થયો હોય. 2008ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના પાકિસ્તાની હેન્ડલર્સની સંડોવણી વિશ્વ સમક્ષ સાબિત થઈ છે. મસૂદ અઝહર દ્વારા સ્થાપિત જૈશ-એ-મોહમ્મદ 2001ના સંસદ હુમલાથી લઈને 2019ના પુલવામા હુમલા સુધી ભારતમાં અનેક મોટા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર રહ્યું છે.

દેશના પાટનગર દિલ્હીમાં, ગત 10 નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે કારમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલો હોવાનું અને જૈશ એ મહોમ્મદે કરાવ્યો હોવાનું તપાસ એજન્સીની કાર્યવાહીમાં સામે આવ્યું છે. આ વિસ્ફોટ અંગે તમામ વિગતે સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.