વૈષ્ણો દેવી સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ફરીથી કરાઈ શરૂ, આ વિશે જાણો તમામ વિગતો
ભારતીય રેલવેએ તેની વધુ કેટલીક ટ્રેન સેવાઓ 21 જુલાઈ 2021થી ફરી શરૂ કરી છે. જાણો રેલવે દ્વારા કઈ સેવાઓ ફરીથી કરાઈ શરૂ.
ભારતીય રેલવેએ (Indian Railway) તેની વધુ કેટલીક ટ્રેન સેવાઓ 21 જુલાઈ 2021થી ફરી શરૂ કરી છે. રેલ્વે દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવેલી રેલ્વે સેવાઓમાં નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી, કટરા સુધીની વંદે ભારત એક્સપ્રેસ, હઝરત નિઝામુદ્દીનથી ઝાંસી સુધીની દેશની સૌથી ઝડપી ટ્રેન સેવા ગતિમાન એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 22439 જે વંદે ભારત એક્સપ્રેસની નવી દિલ્હીથી કટરા સુધીની છે અને ટ્રેન નંબર 22440 કટરાથી દિલ્હી જવા મંગળવારે સિવાય દૈનિક દોડશે. આવી જ રીતે હઝરત નિઝામુદ્દીનથી ઝાંસી સુધીની ટ્રેન નંબર 12050 ગતિમાન એક્સપ્રેસ અને ઝાંસીથી હજરાજ નિઝામુદ્દીન તરફ આવતી ટ્રેન નંબર 12049 પણ દરરોજ દોડશે. શુક્રવારે ગતિમાન એક્સપ્રેસ નહીં ચાલે.
થોડા દિવસો પહેલા એવા અહેવાલ મળ્યા હતા કે, ભારતીય રેલવે દ્વારા ઓગસ્ટ 2022 સુધીમાં 10 નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. આ એક્સપ્રેસ ટ્રેન દેશના 40 શહેરોને જોડશે. ફેબ્રુઆરીમાં, એન્જિનિયરિંગ કંપની મેધાને 44 વંદે ભારત ટ્રેન સેટ માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સનો કરાર આપવામાં આવ્યો હતો.
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે ઓછામાં ઓછા બે પ્રોટોટાઇપ ટ્રેન સેટ અગાઉથી તૈયાર કરવાની યોજના બનાવી છે. જેથી તે આવતા વર્ષે માર્ચમાં શરૂ થઈ શકે. વંદે ભારત એક્સપ્રેસ માટે વિવિધ પ્રકારના પરીક્ષણ અને ટ્રાયલ્સ રાખવામાં આવ્યા છે. કરારની સૌથી અગત્યની શરત એ છે કે આ ટ્રેનોએ મુસાફરો સાથે 1 લાખ કિમી સુધીના કોમર્શિયલ ઓપરેશન પૂર્ણ કરવા પડશે.
ભારતીય રેલવે દ્વારા કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ કેટલીક રેલવે સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે કેટલીક નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. 5 જુલાઈથી પટના અને ધનબાદ વચ્ચે નવી ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત સીયાલદહ અને લોકમાન્ય તીલક ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, ધનબાદ, ગયા, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન થઈને વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પૂર્વ મધ્ય રેલ્વેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યું કે, આ ટ્રેનોના તમામ કોચ આરક્ષિત કેટેગરીના હશે. મુસાફરો માટે કોવિડ-19ના ધોરણોનું પાલન કરવું જરૂરી બનશે.
બે લોકપ્રિય એક્સપ્રેસ ટ્રેનો ઉપરાંત ભારતીય રેલવેએ અન્ય બે રૂટની ટ્રેનો ચલાવવા માટે લીલી ઝંડી આપી છે. આ અંતર્ગત આજથી ટ્રેન નંબર 02191 જબલપુર-હરિદ્વાર સાપ્તાહિકની સેવા 21 જુલાઇથી 29 ડિસેમ્બર 2021 સુધી અને 22 જુલાઇથી 30 ડિસેમ્બર 2021 સુધી ટ્રેન નંબર 02192 હરિદ્વાર-જબલપુર સાપ્તાહિક વિશેષ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી રહી છે. આ માહિતી ઉત્તર રેલવે દ્વારા આપવામાં આવી છે.