એ હિસાબવહી, જે દુકાનદારના મગજમાં જ રહેતી હતી! UPI અને QR કોડે નાના વેપારીઓની દુનિયા કેવી રીતે બદલી નાખી?

એક સમયે નાના વેપારીઓનો આખો હિસાબ તેમની યાદશક્તિ પર નિર્ભર રહેતો હતો. પરંતુ UPI અને QR કોડે આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. જાણો કેવી રીતે ડિજિટલ પેમેન્ટ નાના વેપારીઓને નવી ઓળખ અને આર્થિક વિશ્વસનીયતા આપી રહ્યું છે.

એ હિસાબવહી, જે દુકાનદારના મગજમાં જ રહેતી હતી! UPI અને QR કોડે નાના વેપારીઓની દુનિયા કેવી રીતે બદલી નાખી?
Cashless Economy
Image Credit source: AI Generated
| Edited By: | Updated on: Nov 10, 2026 | 10:12 AM

કમલા શાળાના ગેટની બહાર જામફળ વેચે છે. છેલ્લા 20 વર્ષથી તે આ કામ કરી રહી છે અને આટલા વર્ષોમાં તેણે ક્યારેય પોતાના વેચાણનો હિસાબ લખ્યો નથી. કોઈ સ્કૂલનો બાળક કહે કે, “કાલે પૈસા આપીશ”, તો તે હા પાડી દે છે અને બીજા દિવસે બાળક પૈસા આપી પણ દે છે.

તેને ખબર છે કે કઈ બાળકની માતા શુક્રવાર સુધીમાં પૈસા આપી દેશે, કયા ચોકીદારને દર વખતે પૈસા આપવાનું યાદ નથી રહેતું અને કઈ નાની બાળકીને ક્યારેય ના પાડવાની નથી, પછી ભલે તેની પાસે પૈસા હોય કે ન હોય.

યાદશક્તિમાં હિસાબ

તેની આખી હિસાબની વહી તેની યાદશક્તિમાં જ છે અને આજ સુધી તેનો હિસાબ ક્યારેય ખોટો પડ્યો નથી. ધંધો ચલાવવાની આ ખૂબ જ સુંદર રીત છે. પરંતુ તેમાં એક ખામી છે. તેનો હિસાબ બીજું કોઈ વાંચી શકતું નથી. એક બપોરે બેંકનો એક કર્મચારી તેની ટોપલી પાસે આવ્યો. તેણે બે જામફળ ખરીદ્યાં અને પૂછ્યું કે શું તે વધુ માલ ખરીદવા માટે નાની લોન લેવા માગે છે? કમલા ખુશ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ કર્મચારીએ દર મહિને થતી કમાણીનો પુરાવો માગ્યો.

કમલાએ તેની સામે જોયું, હસી અને પોતાના કપાળ પર હાથ મૂક્યો. તે અઠવાડિયાની આ સૌથી રમૂજી વાત હતી. પરંતુ આ સાથે જ તેમની વાતચીતનો અંત પણ આવી ગયો. 20 વર્ષમાં તેણે ઘણું કમાયું હતું, પરંતુ તેમાંથી એક પણ રૂપિયાની કમાણીનો પુરાવો તેની પાસે નહોતો.

2016માં UPIની શરૂઆત

આ જ એ સમસ્યા છે, જેને ભારતે છેલ્લા એક દાયકામાં શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આ માટેનું સાધન છે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI. જેની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. તેની સફળતાનો વ્યાપ કેટલો મોટો છે, તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જુલાઈ 2025માં UPI દ્વારા એક જ મહિનામાં 19.47 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા.

એટલે કે દરરોજ અંદાજે 62.8 કરોડ પેમેન્ટ્સ થયા હતા. આ દરમિયાન કુલ ₹25.08 લાખ કરોડની રકમની લેવડદેવડ થઈ હતી. એક વર્ષ પહેલાંની સરખામણીએ આ સંખ્યા લગભગ ચોથા ભાગ જેટલી ઓછી હતી. એટલે કે માત્ર 12 મહિનામાં ટ્રાન્ઝેક્શનના પ્રમાણમાં 35 ટકાનો વધારો થયો હતો.

UPI કમાણીનો પુરાવો

કુલ ટ્રાન્ઝેક્શનની રકમને પેમેન્ટની સંખ્યા વડે ભાગીએ તો સરેરાશ પેમેન્ટ આશરે ₹1,300 થાય છે. જોકે, કેટલાક મોટા ટ્રાન્ઝેક્શન આ સરેરાશને ઉપર લઈ જાય છે. તેથી સામાન્ય પેમેન્ટની રકમ તેનાથી ઘણી ઓછી હોય છે. ભારતમાં પૈસાની સૌથી વ્યસ્ત લેનદેનની વ્યવસ્થા મોટા સોદાઓથી નથી બની. તે જામફળ, શાકભાજી, ઓટોનું ભાડું, મોબાઇલ રિચાર્જ અને કોઈ પિતરાઈ ભાઈને જરૂર પડતી થોડીક રકમ જેવી નાની લેવડદેવડથી બની છે.

UPI આટલી ઝડપથી લોકપ્રિય કેમ બન્યું?

તેની પાછળ ત્રણ સરળ કારણો છે.

  1. ઓછી જરૂરિયાત: UPIનો ઉપયોગ કરવા માટે માત્ર બેંક ખાતું અને મોબાઇલ ફોનની જરૂર પડે છે. દુકાનદાર કોઈ મોંઘા પેમેન્ટ મશીન વિના પણ કાગળ પર છાપેલા QR કોડથી પેમેન્ટ સ્વીકારી શકે છે.
  2. કોઈ એક કંપનીની માલિકી નથી: UPI કોઈ એક કંપનીની માલિકી ધરાવતું પ્લેટફોર્મ નથી. તેથી અનેક પેમેન્ટ એપ્સ એક જ સિસ્ટમ પર કામ કરી શકે છે. એક એપનો ઉપયોગ કરનાર વ્યક્તિ બીજી એપનો ઉપયોગ કરનારને પણ સરળતાથી પૈસા મોકલી શકે છે.
  3. ઝડપી પેમેન્ટ: UPI દ્વારા પૈસા માત્ર થોડીક સેકન્ડમાં ટ્રાન્સફર થઈ જાય છે. રવિવારે રાત્રે પણ પૈસા મોકલી શકાય છે.

કમલાના જીવનમાં UPIથી શું બદલાયું?

થોડા મહિના પછી કમલાને પણ પોતાનો QR કોડ મળી ગયો. તેની પૌત્રીએ આ QR કોડ ટોપલી પર ટેપથી ટાડી દીધો. શરૂઆતમાં શાળાના બાળકો આ જોઈને હસતા હતા. પરંતુ પછી તેઓ પોતાનાં માતા-પિતાના ફોનથી પેમેન્ટ કરવા લાગ્યા. આ દરમિયાન એક નાનકડો ફેરફાર થયો, જેની કમલાને કેટલાય અઠવાડિયાં સુધી ખબર પણ ન પડી.

હવે વેચાતા દરેક જામફળનો એક ડિજિટલ રેકોર્ડ બનવા લાગ્યો હતો. આ રેકોર્ડ કદાચ સામાન્ય બાબત લાગે, પરંતુ તેને કમાણીના પુરાવામાં ફેરવી શકાય છે. તે સાબિત કરી શકે છે કે કમલા કમાણી કરે છે, સતત ધંધો ચલાવે છે અને નાની લોન મેળવવા માટે વિશ્વાસપાત્ર છે.

કમલા જેવા લાખો લોકો માટે આ પ્રકારનો પુરાવો પહેલાં અસ્તિત્વમાં જ નહોતો, કારણ કે તેમનો હિસાબ માત્ર તેમના મગજમાં જ રહેતો હતો. હવે જે લોકો ઔપચારિક અર્થવ્યવસ્થામાં દેખાતા નહોતા, તેઓ ધીમે ધીમે તેનો એક ભાગ બની રહ્યા છે.

ડિજિટલ પેમેન્ટના કેટલાક પડકારો પણ છે

આ ડિજિટલ રેકોર્ડની બીજી એક બાજુ પણ છે. કોઈ વ્યક્તિ પોતાના પૈસા ક્યાં ખર્ચે છે, તેની માહિતી હવે ક્યાંક સંગ્રહિત થઈ રહી છે. તેથી એ સવાલ પૂછવો પણ યોગ્ય છે કે આ માહિતી કોણ જોઈ શકે છે અને કેટલા સમય સુધી જોઈ શકે છે? ત્રીજો મુદ્દો એવા લોકોનો છે, જેઓ આ વ્યવસ્થાથી બહાર છે. UPIનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ફોન, ઇન્ટરનેટ સિગ્નલ અને બેંક ખાતાની જરૂર પડે છે. જે લોકો પાસે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ નથી, તેઓ આ ડિજિટલ વ્યવહારને માત્ર પસાર થતો જોઈ શકે છે.

ખોટું બટન દબાઈ જશે તેવા ડરથી કેટલાક વૃદ્ધ લોકો કદાચ આ વ્યવસ્થાથી સંપૂર્ણપણે દૂર રહેવાનું પસંદ કરે છે. અહીં એક નાની પણ મહત્ત્વની વાત યાદ રાખવા જેવી છે કે UPIમાં પૈસા મોકલવા માટે જ PINની જરૂર પડે છે, પૈસા મેળવવા માટે ક્યારેય નહીં.

UPIએ ભારતના વેપારની જૂની સમસ્યા કેવી રીતે ઉકેલી?

ભારતે વેપારની સૌથી જૂની સમસ્યાઓમાંથી એકનો ઉકેલ શોધ્યો છે. અજાણ્યા લોકો વચ્ચે નાની રકમની સુરક્ષિત લેવડદેવડ કરવી હવે સરળ બની છે. એવી વ્યવસ્થા ઊભી થઈ છે, જેમાં જામફળ વેચતી એક નાનકડી મહિલા અને મોટા રિટેલ સ્ટોરના માલિક બંને એક જ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. દુનિયાના ઘણા દેશોમાં આટલી સરળ અને વ્યાપક વ્યવસ્થા સામાન્ય નથી. તેમ છતાં કમલાને ક્યારેક જૂના દિવસોની યાદ આવે છે. પહેલાં કોઈ બાળક પાસે પૈસા ન હોય તો પણ તે જામફળ લઈ જઈ શકતું હતું.

કારણ કે વચન એટલે વચન! પરંતુ હવે દરેક વેચાણનો હિસાબ નોંધાય છે અને આ ડિજિટલ હિસાબમાં કદાચ તે નાનકડી બાળકી માટે કોઈ જગ્યા નથી, જેને કમલાએ ક્યારેય ના પાડવાની નહોતી. તમારી ગલીમાં આજે પણ કોણ માત્ર રોકડમાં જ લેવડદેવડ કરે છે? અને તેની પાસે એવું શું જ્ઞાન છે, જે આપણે બાકીના લોકો ભૂલી ગયા છીએ?

સ્રોત: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), જુલાઈ 2025ના માસિક UPI આંકડા, બિઝનેસ સ્ટાન્ડર્ડ (2 ઓગસ્ટ 2025)ના અહેવાલ અનુસાર; નાણાં મંત્રાલય, UPIનાં 10 વર્ષ. સરેરાશ પેમેન્ટની ગણતરી આપેલા કુલ આંકડાઓ પરથી કરવામાં આવી છે. કમલા એક કાલ્પનિક પાત્ર છે, વાસ્તવિક વ્યક્તિ નથી.

આ પણ વાંચો, બે છોકરીઓ, સરખા ગુણ! પણ અલગ નકશા

Published On - 10:11 am, Tue, 10 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.