કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ રાજ્યની મમતા બેનર્જી સરકાર, ભારતીય જનતા પાર્ટીના નિશાને છે. ભાજપ સીએમ મમતા બેનર્જીને તમામ પ્રકારે ઘેરવામાં વ્યસ્ત છે. દરમિયાન ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક માટે બંધનું એલાન આપ્યું છે. મંગળવારે રાજ્ય સચિવાલય નબન્ના સુધીની કૂચમાં ભાગ લેનારાઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે, રાજ્યપાલને પત્ર લખીને વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે.
જોકે, મમતા બેનર્જીની સરકારે ભાજપ પ્રેરિત બંધને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ સરકારે લોકોને ભાજપના બંધમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. સરકારે નોટિસ જાહેર કરીને કહ્યું છે કે, તમામ કર્મચારીઓએ ઓફિસમાં આવવું પડશે. કોઈ રજા નહીં, આકસ્મિક રજા મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ યોગ્ય કારણો વિના ઓફિસમાં નહીં આવે તો તેને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.
કોલકાતાની ઘટનાને લઈને મમતા સરકાર ચારેબાજુથી ઘેરાઈ રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે, બંગાળમાં દીકરી પ્રત્યે ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. જ્યારે, TMC નેતા કુણાલ ઘોષે કહ્યું છે કે, અમે પણ ઇચ્છીએ છીએ કે ન્યાય મળે, હવે બધું CBIના હાથમાં છે.
કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ ગંભીર ગુના સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે નબાન્ના અભિયાન અંતર્ગત હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આંદોલનકારીઓ પર પાણીનો છંટકાવ પણ કર્યો. આ દરમિયાન 25થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે 100 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી અને કોલકાતાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા કેસ નોંધ્યા હતા.
પોલીસ અને જનતા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે કોલકાતાની શેરીઓમાં જે જોવા મળ્યું તેના પર બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કહ્યું કે, લોકશાહી માટે આનાથી ખરાબ કંઈ ન હોઈ શકે. લોકો તિરંગા સાથે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ મમતા સરકાર લોકોના લોકતાંત્રિક અધિકારો અને રાષ્ટ્રીય ભાવનાઓ સાથે રમત કરી રહી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દિલ્હી ચલોનો નારો આપ્યો હતો, પરંતુ અહીંના લોકો ન્યાય માટે નબન્ના ચલોનો નારો આપી રહ્યા છે. જંગલ રાજ અને ગુંડા રાજને લોકોના દિલોદિમાગમાંથી ખતમ કરી દેવા જોઈએ. બંગાળ શાંતિપૂર્ણ રાજ્ય બનવું જોઈએ.