Omicronનો ખૌફ : TNએ કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- વિદેશથી આવતા પ્રવાસીના ટેસ્ટિંગ માટેના નિયમો બદલવામાં આવે
ડૉ. સેલ્વવિનયગમે કહ્યું 'તમિલનાડુ આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આગમન પછી કોવિડ-19નું ફરજિયાત પરીક્ષણ કરાવવું જોઈએ. જો તેઓ પોઝિટિવ જોવા મળે છે તો તેમની સાથે હાલના પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવશે.
તામિલનાડુ (Tamilnadu)એ શનિવારે કેન્દ્ર સરકારને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના વધતા જોખમ વચ્ચે ‘જોખમ વિનાના દેશો’માંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પરીક્ષણ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવા વિનંતી કરી હતી. તમિલનાડુ વતી આ વિનંતી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ‘નોન-રિસ્ક કન્ટ્રી (non-risk country)માંથી અહીં આવેલા એક મુસાફર ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો.
તમિલનાડુમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. પબ્લિક હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન ડાયરેક્ટર ડૉ. ટી.એસ. સેલ્વવિનયગમે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણને લખેલા તેમના પત્રમાં વિનંતી કરી છે કે તમિલનાડુ આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ વર્તમાન પ્રથાથી વિપરીત અહીં આવ્યા પછી ફરજિયાત પરીક્ષણ કરાવવું જોઈએ. જો કે આ સમયે ફક્ત તે મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેઓ ‘જોખમ વાળા’ દેશોમાંથી અહીં આવી રહ્યા છે.
‘નોન-રિસ્ક કન્ટ્રીઝ’ના 24 લોકોમાં ‘S’ જીન ડ્રોપ
ડૉ. ટી.એસ. સેલ્વવિનયગમના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધી વિવિધ વિદેશી સ્થળોથી તમિલનાડુ પહોંચેલા 28 મુસાફરોમાં ‘S’ જીન ડ્રોપ જોવા મળ્યો હતો, જે કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણનો સંકેત આપે છે. તેમાંથી માત્ર ચાર ‘ઉચ્ચ જોખમ ધરાવતા’ દેશોમાંથી હતા, જ્યારે બાકીના ‘નોન-રિસ્ક’ દેશોમાંથી હતા.
સેલ્વવિનયમાએ પણ ધ્યાન દોર્યું કે કેન્દ્ર દ્વારા ઈશ્યુ કરાયેલ વર્તમાન માર્ગદર્શિકા મુજબ યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપિયન દેશોની સાથે માત્ર 11 દેશોને ‘ઉચ્ચ જોખમ’ જાહેર કરવામાં આવ્યા છે અને આ દેશોના પ્રવાસીઓ માટે વધારાના સર્વેલન્સ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ‘જોખમ નથી તેવા દેશો’માંથી આવતા મુસાફરો માટે વધારાના સર્વેલન્સ પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી.
તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ફરજિયાત પરીક્ષણ
તેમણે પોતાના પત્રમાં કહ્યું ‘તમિલનાડુ આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આગમન પછી કોવિડ-19નું ફરજિયાત પરીક્ષણ કરાવવું જોઈએ. જો તેઓ પોઝિટિવ જોવા મળે છે તો તેમની સાથે હાલના પ્રોટોકોલ મુજબ વ્યવહાર કરવામાં આવશે. જો તેઓ નકારાત્મક જણાય તો જ તેમને એરપોર્ટ પરથી ટ્રાન્ઝિટ ફ્લાઈટ લેવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે શનિવારે આ પત્ર મીડિયા સાથે શેર કર્યો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જોખમ ન ધરાવતા દેશોમાંથી માત્ર બે ટકા મુસાફરોનું RT-PCR સાથે રેન્ડમલી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પરિણામ આવે તે પહેલા જ તેમને જવાની પરવાનગી અપાઈ રહી છે, આનાથી ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ‘નોન-રિસ્ક દેશો’ના પ્રવાસીઓના ગુમ થવાની સંભાવના વધી રહી છે અને જેના કારણે સમુદાયમાં સંક્રમણનો ઝડપથી ફેલાવો થઈ શકે છે.
નેગેટીવ આવતા મુસાફરો માટે પણ નિયમો હોવા જોઈએ
નિયામક ડૉ. સેલ્વવિનયગમે જણાવ્યું હતું કે જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેઓને પણ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ આપવી જોઈએ અને તામિલનાડુમાં આગમનના 8મા દિવસે ફરી ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે જો (કોવિડ-19) પોઝિટિવ જોવા મળે છે તો તેમની હાલના પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવશે.
જો નેગેટીવ જણાય તો તેમને સાત દિવસના સમયગાળા માટે તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુમાં 1 ડિસેમ્બરથી રાજ્યના ચારેય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (કોઈમ્બતુર, મદુરાઈ, તિરુચિરાપલ્લી અને ચેન્નાઈ) પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વધારાની દેખરેખ રાખવામાં આવી રહી છે.