
હવે ફૂડ પેકેટ પર ખાંડ, મીઠું અને ચરબીની વધુ માત્રા અંગેની માહિતી ગ્રાહકોને સ્પષ્ટ રીતે જોવા મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને પેકેટના આગળના ભાગમાં આવી ચેતવણીઓ દર્શાવવા માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે. કોર્ટના નિર્દેશ મુજબ, વધુ ચરબી, ખાંડ અથવા મીઠું ધરાવતા ખાદ્ય પદાર્થો પર અલગ-અલગ ષટ્કોણ આકારનાં ચેતવણી ચિહ્નો લગાવવાનાં રહેશે. તેમાં ‘હાઈ ફેટ’, ‘હાઈ સુગર’ અને ‘હાઈ સોલ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધિત ચિત્રો પણ દર્શાવવાનાં રહેશે. આ નિર્ણયનો હેતુ ગ્રાહકોને ખરીદી કરતી વખતે ખાદ્ય પદાર્થોની પોષક ગુણવત્તા વિશે સરળતાથી જાણકારી મળવી જોઈએ
સુપ્રીમ કોર્ટે FSSAIને સૂચના આપી છે કે ફૂડ પેકેટ પર ચેતવણી આપવાની મર્યાદા ખોરાકમાં ઉમેરવામાં આવેલી ખાંડ અને સંતૃપ્ત ચરબીના પ્રમાણને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે. આ મર્યાદા નક્કી કરતી વખતે વૈજ્ઞાનિક પુરાવાઓનો આધાર લેવો પડશે.
કોર્ટે કહ્યું કે જો ચેતવણીની મર્યાદા ખૂબ ઓછી રાખવામાં આવશે તો લગભગ દરેક પેકેટ પર ચેતવણી જોવા મળશે. આવી સ્થિતિમાં લોકો ધીમે ધીમે આ ચેતવણીને અવગણવા લાગશે. બીજી તરફ, મર્યાદા ખૂબ ઊંચી રાખવામાં આવશે તો અનેક બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ચેતવણીના નિયમોમાંથી બહાર રહી જશે. તેથી યોગ્ય મર્યાદા નક્કી કરવી જરૂરી છે. આની સાથે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ અને ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ, 2020 સહિતના હાલના નિયમોનો યોગ્ય રીતે અમલ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે બાળકોમાં સ્વસ્થ ખોરાક અંગે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂક્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને શાળાના અભ્યાસક્રમમાં પોષણ સંબંધિત નવી માહિતી અને પ્રવૃત્તિઓ સામેલ કરવા સૂચના આપી છે. બાળકોને માત્ર પુસ્તકો દ્વારા જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ રીતે પણ સારા અને ખરાબ ખોરાક વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે. આ માટે સ્ટુડન્ટને શાળાઓમાં ઇન્ટરેક્ટિવ વર્કશોપ, વિવિધ પ્રવૃત્તિઓ અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમો યોજી શકાય છે.
આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને નાની ઉંમરથી જ પૌષ્ટિક ખોરાકનું મહત્વ સમજાવવાનો અને સ્વસ્થ ખાવાની આદત વિકસાવવાનો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 10 અઠવાડિયા બાદ રાખી છે. ત્યાં સુધીમાં FSSAIએ નવા નિયમો તૈયાર કરવાની કામગીરીમાં કેટલી પ્રગતિ થઈ છે તેની વિગતો સાથે સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારો તરફથી વકીલ રાજીવ શંકર દ્વિવેદીએ દલીલો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને સવાલ કર્યો હતો કે વધુ પડતી ખાંડ, મીઠું અને ચરબી ધરાવતા ખાદ્ય પદાર્થો પર સ્પષ્ટ ચેતવણી આપવાના નિયમો બનાવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. કોર્ટે આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવામાં સરકારના વલણ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે જ્યારે સ્થૂળતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે, ત્યારે ભારતે આ મામલે પાછળ કેમ રહેવું જોઈએ?
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ FSSAIએ ફૂડ પેકેટ પર ચેતવણી દર્શાવવા માટે બે તબક્કાની યોજના રજૂ કરી હતી. પ્રથમ તબક્કામાં બે કે તેથી વધુ પોષક તત્વોનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે હોય તેવા ઉત્પાદનો પર ચેતવણી આપવાની વાત હતી. ત્યારબાદ આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને માત્ર એક જ પોષક તત્વનું પ્રમાણ વધારે હોય તો પણ ચેતવણી આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ, અરજદારે શરૂઆતના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ચેતવણી આપવા માટે બે કે તેથી વધુ પોષક તત્વોનું પ્રમાણ વધારે હોવાની શરત રાખવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
સુપ્રીમ કોર્ટના સવાલો બાદ FSSAIએ પોતાના પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. હવે નક્કી કરેલી પોષક મર્યાદા કરતાં વધુ ખાંડ, મીઠું કે ચરબી ધરાવતા ઉત્પાદનો પર સ્પષ્ટ ચેતવણી આપવાની યોજના છે. નવા પ્રસ્તાવમાં કેનેડાના મોડેલને ધ્યાનમાં રાખીને સફેદ ચોરસ પૃષ્ઠભૂમિ પર લાલ રંગનું ષટ્કોણ આકારનું ચેતવણી ચિહ્ન દર્શાવવાની વાત છે. આ ચિહ્નમાં કયા પોષક તત્વનું પ્રમાણ વધારે છે તેની માહિતી પણ લખવામાં આવશે.
આ મર્યાદા નક્કી કરવા માટે ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની 2024ની આહાર માર્ગદર્શિકાનો આધાર લેવાનું સૂચવાયું છે. ખાસ વાત એ છે કે આ ચેતવણી ખોરાક કેટલો પ્રોસેસ થયો છે તેના બદલે તેમાં રહેલા પોષક તત્વોના પ્રમાણને ધ્યાનમાં રાખીને લાગુ કરવાની દરખાસ્ત છે.
FSSAIએ નોન-કેલરી સ્વીટનર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઉત્પાદનો માટે પણ નવો નિયમ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મુજબ, આવા ઉત્પાદનોના પેકેટ પર ‘Contains Non-Calorie Sweetener’ એવું અલગથી લખવું ફરજિયાત બની શકે છે.