Breaking News : કસ્ટડી અને એરેસ્ટ વચ્ચેની ભેદરેખા સુપ્રીમ કોર્ટે ભૂંસી નાખી, હવે અટકાયત હશે તો પણ 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા ફરજીયાત
સુપ્રીમ કોર્ટે, પોલીસની કામગીરીને ખુલ્લી પાડતા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી "ધરપકડ" (arrest) અને "કસ્ટડી" (custody ) વચ્ચેની કાયદાકીય ભેદરેખા પણ ભૂંસી નાખી છે. હવે કોઈ વ્યક્તિને પોલીસ અટકાયત કરે તો પણ 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા પડશે. અત્યાર સુધીમાં પોલીસ કોઈની ધરપકડ કરે તો જ 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરતી હતી.

સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં એવુ જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટેની 24 કલાકની સમયમર્યાદા તે જ ક્ષણથી શરૂ થાય છે જ્યારે જે તે વ્યક્તિને પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા હોય. અટકાયત બાદ કરતી ધરપકડથી 24 કલાક નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે કસ્ટડી અને ધરપકડ વચ્ચે કૃત્રિમ તફાવત ઊભો કરવાનો કોઈપણ પ્રયાસ બંધારણીય રીતે અસ્વીકાર્ય છે.
ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુયાન અને ન્યાયમૂર્તિ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે, 24 કલાકનો સમયગાળો માત્ર ઔપચારિક ધરપકડ પછી જ શરૂ થાય છે તેવો દૃષ્ટિકોણ, બંધારણની કલમ 22(2) અને ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS) ની કલમ 56 ની જોગવાઈઓથી વિપરીત છે. ઔપચારિક ધરપકડ પહેલાં પૂછપરછ કે તપાસમાં વિતાવેલો સમય, કુલ 24 કલાકની સમયમર્યાદામાંથી બાદ કરી શકાતો નથી. કોર્ટે વધુમાં નોંધ્યું કે આવી બાદબાકી કરવી એ કલમ 22(2) ના દાયરાની બહાર ગણાશે.
“આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.”
કોર્ટે નિર્દેશ કર્યો કે બંધારણમાં માત્ર એક જ અપવાદની જોગવાઈ છે. ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવા માટે વાજબી રીતે જરૂરી સમય. પરિણામે, એવો તર્ક કે કલમ 22(2) હેઠળનો 24 કલાકનો સમયગાળો સર્ચ અને જપ્તીની કાર્યવાહી પૂર્ણ થયા પછી અથવા ધરપકડ કરનાર અધિકારી દ્વારા નોંધવામાં આવેલા ધરપકડના સમયથી શરૂ થાય છે. તે માત્ર કાયદાકીય રીતે ખોટું જ નથી, પરંતુ સંપૂર્ણપણે ગેરબંધારણીય પણ છે. સુપ્રીમ કોર્ટે એ વિચાર સાથે અસંમતિ વ્યક્ત કરી છે કે અમુક સમય સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેને “ધરપકડ” ન ગણી શકાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મૂળભૂત અધિકારોને ટૂંકા સમયગાળા માટે પણ સ્થગિત કરી શકાતા નથી.
“ધરપકડ” (arrest) અને “કસ્ટડી” (custody ) વચ્ચે કૃત્રિમ તફાવત ઊભો કરવો સંપૂર્ણપણે ખોટું છે.” સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે “કસ્ટડી” (હિરાસત) અને “અરેસ્ટ” (ધરપકડ) વચ્ચે કૃત્રિમ ભેદ ઊભો કરવો બંધારણીય દૃષ્ટિએ ખોટું છે. સર્વોચ્ચ અદાલતે ઓડિશા હાઈકોર્ટ, કેરળ હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાઓને રદ કર્યા છે. આ તમામ ચુકાદાઓમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે, ઔપચારિક ધરપકડ પહેલાં કસ્ટડીમાં વિતાવેલા સમયને બંધારણની કલમ 22 હેઠળ નિર્ધારિત 24 કલાકની મર્યાદામાંથી બાકાત રાખી શકાય છે. સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે, આ ચુકાદાઓ બંધારણની કલમ 22(2) હેઠળની કાયદાકીય સ્થિતિને સચોટ રીતે રજૂ કરતા નથી.
