
મોદી સરકારની પ્રશંસા કરવી અને કોંગ્રેસની બેઠકોમાં હાજરી ન આપવાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી શશિ થરૂર પાર્ટીના નેતાઓની ટીકાનો સામનો કરી રહ્યા છે. લોકસભામાં, તેમણે ફરી એકવાર ખુલ્લેઆમ પાર્ટીના નેતાઓ સાથેનો પોતાનો મતભેદ જાહેર કર્યો. લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા દરમિયાન, શશિ થરૂરે પોતાના જ નેતાઓને ઠપકો આપ્યો અને કહ્યું કે સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલવા દેવી જોઈએ.
થરૂરે કહ્યું, “મેં શરૂઆતથી જ આ કહ્યું છે. મારી પાર્ટીના બધા નેતાઓ, જેમાં સોનિયા ગાંધી પણ શામેલ છે, આ જાણે છે. હું કદાચ મારી પાર્ટીમાં આ કહેવા માટે એકમાત્ર છું. પરંતુ અમારા લોકોએ અમને સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, આ રીતે હોબાળો અને બૂમો પાડવા માટે નહીં.” જનતાએ અમને સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવા માટે અહીં મોકલ્યા છે.
ઉલ્લેખનિય છે કે સંસદના શિયાળુ સત્રની શરૂઆત સાથે જ વિપક્ષે અનેક મુદ્દાઓ પર હોબાળો કરવાનું શરૂ કરી દીધુ છે. વિપક્ષનું કહેવું છે કે સંસદમાં SIR પર ચર્ચા થવી જોઈએ. તાજેતરમાં જ થરૂરે SIR અંગે કોંગ્રેસની રણનીતિ માટેની બેઠકમાં હાજર નહોંતા રહ્યા. બેઠકના એક દિવસ પછી, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ, સંસદના શિયાળુ સત્રની યોજનાઓની ચર્ચા કરવા માટે બોલાવેલી કોંગ્રેસની બેઠક પણ તેઓ પહોંચ્યા ન હતા. પાછળથી તેમણે જણાવ્યુ કે તેઓ તેમના 90 વર્ષની માતાની સાથે હતા.
શુક્રવારે, DMKના વરિષ્ઠ નેતા ટી.આર. બાલુએ લોકસભામાં તમિલનાડુમાં એક દરગાહ પાસેના મંદિરમાં “કાર્તિગાઈ દીપમ”નો મુદ્દો ઉઠાવ્યો હતો અને મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ વિશે ટિપ્પણી કરી હતી, જેના પર શાસક પક્ષે સખત વાંધો ઉઠાવ્યો હતો. બાલુએ ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું નામ લીધા વિના આરોપ લગાવ્યો હતો કે એક પક્ષ સાંપ્રદાયિક તણાવ ભડકાવી રહ્યો છે. તેમણે કેસમાં ચુકાદો આપનાર ન્યાયાધીશનો ઉલ્લેખ એક સંગઠન સાથે સંકળાયેલા તરીકે કર્યો હતો. આનાથી ગૃહમાં હોબાળો મચી ગયો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બાલુ બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરી શકે નહીં.