
ભારતીય સ્ટેટ બેંક (SBI) આગામી એક વર્ષમાં 3000 થી 4000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. આ ભરતી ખાસ કરીને લોન કલેક્શન માટે એક સમર્પિત ટીમ બનાવવાના હેતુથી કરવામાં આવશે. SBI ના ચેરમેન સી.એસ. શેટ્ટીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બેંકે તેની અન્ડરરાઈટિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે અને હવે મજબૂત કલેક્શન મિકેનિઝમ શરૂ કરવામાં આવી રહ્યું છે.
બેંકની વિગતો અનુસાર, નાણાકીય વર્ષ 2026 ના અંત સુધીમાં બેંકમાં કર્મચારીઓની સંખ્યા 2.45 લાખ પર પહોંચી હતી, જે અગાઉના વર્ષે 2.36 લાખ હતી. ચેરમેન શેટ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે નવી કલેક્શન ટીમના કર્મચારીઓ મુખ્યત્વે ફિલ્ડમાં કામ કરશે અને તેઓ શાખાઓમાં બેસશે નહીં. આ ભરતી હાલના સ્ટાફમાંથી નહીં, પરંતુ બેંકની પેટાકંપની દ્વારા કરવામાં આવશે અને તેમનું સંચાલન કેન્દ્રીય સ્તરથી કરવામાં આવશે.
SBI એ તાજેતરમાં છેલ્લા બે દાયકાના સૌથી નીચા NPA (નોન-પરફોર્મિંગ એસેટ) સ્તરની જાણકારી આપી છે. માર્ચ ક્વાર્ટરમાં બેંકનો નેટ NPA રેશિયો 0.39 ટકા રહ્યો હતો, જે ગત વર્ષના સમાન ગાળામાં 0.47 ટકા હતો. નવી કલેક્શન વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શરૂઆતી તબક્કાના તણાવગ્રસ્ત લોનને NPA માં બદલાતા અટકાવવાનો છે. RBI ના ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) નિયમોને ધ્યાનમાં રાખીને બેંક પોતાની ક્રેડિટ ક્વોલિટી અને રિસ્ક મોનિટરિંગને વધુ સખત બનાવી રહી છે.
માર્ચ ક્વાર્ટરમાં SBI એ 19,684 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 5.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે જ બેંકે તેના શેરધારકો માટે પ્રતિ શેર 17.35 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
Published On - 9:21 pm, Tue, 12 May 26