
GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, નાણા પ્રધાન નિર્મલા સિતારમણે GST દરમાં મોટો ફેરફાર જાહેર કર્યાં છે, જીએસટીના વેરામાં ફેરફારને કારણે, રોજબરોજના વપરાશ ઉપરાંત સામાન્ય ઘરગથ્થુ વસ્તુઓ અને સેવાઓ પરનો કર ઓછો થશે. આનાથી આગામી નાણાકીય વર્ષ (2025-26) માં છૂટક ફુગાવો 0.65 થી 0.75 ટકા સુધી ઘટી શકે છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, નવા GST નિયમો લાગુ થયા પછી દેશમાં ફુગાવો ઘટશે.
GST કાઉન્સિલની 56મી બેઠકમાં, જૂના ચાર-સ્તરીય કર માળખા (5%, 12%, 18%, 28%) ને દૂર કરવામાં આવ્યા હતા અને માત્ર દ્વિ સ્તરીય કર માળખા (5% અને 18%) ને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, કેટલીક લક્ઝરી વસ્તુઓ અને સેવાઓ માટે 40% નો વિશેષ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે, જેના હેઠળ ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ છે અને કેટલીક કરમુક્ત થઈ ગઈ છે.
તમાકુ અને સંબંધિત ઉત્પાદનોને બાદ કરતાં નવા કર દરો, આગામી 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 453 માલના GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમાંથી 413 માલ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે માત્ર 40 માલ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. લગભગ 295 આવશ્યક માલ પર GST 12 % થી ઘટાડીને 5 % અથવા 0% કરવામાં આવ્યો છે. આના કારણે, ગ્રાહકોને ખાસ કરીને ખાદ્ય ચીજો પર 60% લાભ મળશે, જેના કારણે ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો 0.25% થી 0.30% સુધી ઘટાડી શકાય છે.
SBI સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત, સેવાઓ પર GST દરોને તર્કસંગત બનાવવાથી અન્ય માલ અને સેવાઓ પર છૂટક ફુગાવામાં 0.40 થી 0.45 ટકાનો ઘટાડો થશે. આમાં, ગ્રાહકોને 50 ટકાનો લાભ મળવાનો અંદાજ છે. રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન એકંદરે છૂટક ફુગાવો 0.65 થી 0.75 ટકા ઘટી શકે છે.
GST કાઉન્સિલના દર તર્કસંગતકરણને કારણે સપ્ટેમ્બર 2019 માં સરેરાશ GST દર 14.4% થી ઘટીને 11.6% થયો હતો. હવે નવા ફેરફારો પછી, તેને વધુ ઘટાડીને 9.5% કરી શકાય છે. નવા GST નિયમો આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવશે, જેનાથી ફુગાવો ઘટશે અને સામાન્ય લોકોને ફાયદો થશે.
GST ને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.