વિદેશ પ્રધાન એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષને કહ્યું-કાન ખોલીને સાંભળી લો, મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ

વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લઈને પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરની કાર્યવાહીથી ગૃહને વાકેફ કર્યું હતું. એસ જયશંકરને સંબોધન વખતે વિપક્ષના સાંસદોએ, ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યાનુ કહીને ખલેલ પહોચાડી હતી. આ સમયે વિદેશ પ્રધાને થોડાક રોષ સાથે કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે 22 એપ્રિલથી 16 જૂન સુધી કોઈ જ વાતચીત નથી થઈ.

વિદેશ પ્રધાન એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષને કહ્યું-કાન ખોલીને સાંભળી લો, મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ
| Updated on: Jul 30, 2025 | 8:33 PM

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ગઈકાલે લોકસભા પછી આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેઓ વિપક્ષના દરેક પ્રશ્નો અને આક્ષેપનો એક પછી એક જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, વિપક્ષી સાંસદો સતત હંગામો કરતા જોવા મળ્યા. વિદેશ પ્રધાનના ભાષણ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ સતત અંતરાય સર્જતા હતા. વિપક્ષી સાંસદોના વર્તનથી જયશંકર થોડાક રોષમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસના સાંસદ જયરામ રમેશનું નામ લીધું અને તેમને અંતરાય અને ખલેલ પાડવાના મુદ્દે ઠપકો પણ આપ્યો.

એસ જયશંકરે કહ્યું, ‘જયરામ રમેશે ધ્યાનથી સાંભળવું જોઈએ. 22 એપ્રિલથી 16 જૂન સુધી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક પણ ફોન કોલ થયો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, સતત આરોપ લગાવી રહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી યુદ્ધવિરામ થયો હતો. જોકે, સરકાર વિપક્ષના આ આરોપોને સતત નકારી રહી છે. ગઈકાલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય પાકિસ્તાનના ડીજીએમઓએ કરેલા ફોન બાદ ડીજીએમઓ સ્તરની વાતચીત દરમિયાન લેવામાં આવ્યો હતો, આમા કોઈ પણ વિદેશી વ્યક્તિનો હાથ નથી.

વિદેશ પ્રધાન એસ જયશંકરે પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, “પહલગામ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, લક્ષ્મણ રેખાને પાર કરવામાં આવી હતી. ગુનેગારોને જવાબદાર ઠેરવવા અને પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવો જરૂરી છે. ભારતે આતંકવાદનો બદલો લીધો છે, અમે ઓપરેશન સિંદૂરથી લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે.” તેમણે કહ્યું કે આતંકવાદ પ્રત્યે ભારતનો પ્રતિભાવ આખી દુનિયાએ જોયો.

સિંધુ જળ સંધિ રોકવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા જયશંકરે કહ્યું કે, લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. તેમણે કહ્યું કે મોદી સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પંડિત જવાહરલાલ નેહરૂની નીતિઓની ભૂલ સુધારી છે.

જયશંકરે કહ્યું કે, 1947 થી, ભારત સરહદ પારથી હુમલાઓનો સામનો કરી રહ્યું છે, અને દરેક હુમલા પછી, પાકિસ્તાન સાથે વાતચીત થઈ છે. પરંતુ મોદી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં લીધાં, અમે દરેક પ્લેટફોર્મ પર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમારી સરકારે મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાને પ્રત્યાપણ સંધિ મારફતે ભારતમાં લાવ્યા.

જયશંકરે ગૃહને જણાવ્યું કે અમારા પ્રયત્નો રંગ લાવ્યા અને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યું કે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ સંગઠન છે. તેના પર વૈશ્વિક પ્રતિબંધ પણ લગાવ્યા.

રાજ્યસભા અને લોકસભાના ચોમાસુ સત્રને લગતા તમામ સમચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.