રશિયાએ (Russia) ગુરુવારે યુક્રેન (Ukraine) પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઘણા દેશો યુક્રેનના સમર્થનમાં આવ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિવસ દરમિયાન ચૂંટણી સભાઓને સંબોધ્યા બાદ સાંજે દિલ્હી પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરી શકે છે. આ બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. યુક્રેનનું કહેવું છે કે રશિયાના હુમલામાં તેના 40 સૈનિકો અને 10 નાગરિકો માર્યા ગયા છે, પરંતુ તે તેની સામે ઝૂકવાનું નથી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરકારે અગાઉ પણ એડવાઈઝરી જાહેર કરી હતી. સરકાર ચિંતિત છે, પ્રયાસો ચાલુ છે. અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે કે અમારા બાળકો જે ત્યાં છે તેમને બહાર કાઢવામાં આવે. પ્લેન મોકલવામાં આવ્યું હતું, પરંતુ પ્લેન ત્યાં લેન્ડ થઈ શક્યું ન હતું. ભારત ઈચ્છે છે કે શાંતિ જળવાઈ રહે. વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ. યુદ્ધની સ્થિતિ ઉભી ન થવી જોઈએ, આ ભારતની વિચારસરણી છે.
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું, વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18,000 ભારતીયોને પાછા લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. મેં યુક્રેનમાં વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરી. યુક્રેનના દક્ષિણી પ્રદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું કે તેઓને ખોરાક, પાણી અને વીજળી મળી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ગભરાશો નહીં.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, આજે ફ્લાઈટ્સ યુક્રેન માટે રવાના થઈ હતી પરંતુ જ્યારે યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારે અમને કહેવામાં આવ્યું કે એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે અને નોટિસ ટુ એર મિશન જાહેર કરવામાં આવી છે. જેના કારણે ફ્લાઈટ ભારત પાછા આવવું પડ્યું. મેં વિદેશ મંત્રી સાથે પણ ચર્ચા કરી છે અને અમે યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં એરસ્પેસ ખુલતાની સાથે જ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવામાં આવશે.
અહીં, નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણથી યુરોપિયન મહાદ્વીપની શાંતિ ડહોળાઈ છે. સ્ટોલ્ટનબર્ગે શુક્રવારે નાટો ગઠબંધનના નેતાઓની સમિટ બોલાવી છે. રશિયાએ તેના શહેરો અને લશ્કરી થાણાઓ પર હવાઈ હુમલા અથવા ગોળીબાર કરીને યુક્રેન પર આક્રમણ કર્યું. યુક્રેનની સરકારે કહ્યું કે રશિયન ટેન્ક અને સૈનિકો સરહદ પર ફરતા હતા. તેમણે રશિયા પર ‘પૂર્ણ યુદ્ધ’ કરવાનો આરોપ પણ લગાવ્યો.
આ પણ વાંચો : વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી
આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત