
સામાન્ય રીતે જાન્યુઆરીના આખરમાં ઠંડીનુ પ્રમાણ ઓછુ થતું હોય છે. પરંતુ આ વર્ષે દેશભરમાં હવામાનમાં અચાનક ફેરફાર થયો છે. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા અને ફેબ્રુઆરીની શરૂઆતમાં તીવ્ર ઠંડી, વરસાદ, કરા અને ભારે પવન સાથે રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં હવામાન વધુ બદલાઈ શકે છે. કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27-28 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝઢપી પવન સાથે વરસાદ અથવા તો બરફવર્ષાની શક્યતા છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. બરફવર્ષા પણ શક્ય છે. 27 જાન્યુઆરીએ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વાવાઝોડા સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે.
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલ ભારે હિમવર્ષાને કારણે હવાઈ સેવાઓ પર સ્પષ્ટ અસર પડી હતી, જેના કારણે મંગળવારે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જતી અને આવતી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સતત હિમવર્ષાને કારણે વિમાનો રનવે પર સુરક્ષિત રીતે દોડી શકતા નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે હવામાન સુધરતા અને રનવેને સુરક્ષિત જાહેર થતાં જ, ફ્લાઇટ સેવાઓ ફરીથી પૂર્વવત થશે. કુલ 58 ફ્લાઇટ્સને અસર થઈ હતી, જેમાં 29 આવતી અને 29 જતી ફલાઈટનો સમાવેશ થાય છે.