આમ આદમી પાર્ટીએ પંજાબમાં 9 એપ્રિલે ખાલી થનારી રાજ્યસભાની (Rajya Sabha) પાંચ બેઠકો માટે નોમિનેશનના છેલ્લા દિવસે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજ્યસભામાં, પંજાબના AAPના ઉમેદવારોમાં ક્રિકેટર, પ્રોફેસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સામાજિક કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. પંજાબમાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે સત્તામાં છે અને આવી સ્થિતિમાં પાંચેય ઉમેદવારો રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જેમાં ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh), ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા (Raghav Chadha), IIT દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠક (Sandip Pathak), લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલ (Ashok Mittal) અને કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સંજીવ અરોરા (Sanjiv Arora) સામેલ છે. આમાંથી ત્રણ નામો પહેલેથી જ નક્કી થઈ ગયા હતા, જ્યારે અશોક મિત્તલ અને સંજીવ અરોરાના નામ આજે જાહેર કરવામાં આવ્યા હતા.
રાઘવ ચઢ્ઢા સંસદના ઉપલા ગૃહમાં સૌથી યુવા સભ્ય હશે. તેમની ઉંમર 33 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે, તેમના પહેલા આંતરરાષ્ટ્રીય બોક્સર મેરી કોમ અને CPM નેતા ઋતાબ્રતા બેનર્જી રાજ્યસભામાં યુવા સાંસદ રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે પંજાબના રાજ્યસભા સભ્યોની 5 સીટો 9 એપ્રિલે ખાલી થઈ રહી છે. કોંગ્રેસમાંથી પ્રતાપ સિંહ બાજવા અને શમસેર સિંહ દુલ્લો, બીજેપીમાંથી શ્વેત મલિક, શિરોમણી અકાલી દળના સુખદેવ સિંહ ઢિંડસા અને નરેશ ગુજરાલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ પાંચ ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી થવાની છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા હાલમાં દિલ્હીની રાજેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પણ છે અને આ સિવાય તેઓ દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ પણ છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેમની ઉંમર હવે માત્ર 33 વર્ષની હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, જો તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાય છે, તો તેઓ સંસદના ઉપલા ગૃહમાં સૌથી યુવા સાંસદ હશે.
પાર્ટીના તમામ ઉમેદવારોમાં રાઘવ ચઢ્ઢા સૌથી યુવા છે. તેણે પોતાનું શિક્ષણ દિલ્હીથી કર્યું. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ તેણે સીએ કર્યું. આ સિવાય તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે થોડો સમય વિદેશી પેઢીમાં નોકરી પણ કરી.
નોકરી છોડ્યા બાદ રાઘવ ચઢ્ઢા ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન અભિયાન સાથે જોડાયેલા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વર્ષ 2018માં તેમને દક્ષિણ દિલ્હીની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, તેઓ ભાજપના નેતા રમેશ બિધુરી સામે લગભગ બે લાખ મતોથી હારી ગયા હતા અને લોકસભાના માર્ગે સંસદમાં જવાની તેમની ઈચ્છા અધૂરી રહી. હવે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં પહોંચે તેવી પૂરી સંભાવના છે.
સૌથી યુવા રાજ્યસભા સભ્ય બનવાનો રેકોર્ડ મેરી કોમ અને ઋતાબ્રતા બેનર્જીના નામે છે. મેરી કોમને 34 વર્ષની ઉંમરે રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવી હતી, જ્યારે ઋતાબ્રતા બેનર્જીને પણ 34 વર્ષની ઉંમરે રાજ્યસભામાં મોકલવામાં આવી હતી. વર્ષ 2016માં મેરી કોમને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર એમસી મેરી કોમ, જે મણિપુરની છે, તેમણે તેને સન્માન ગણાવ્યું અને કહ્યું કે તેણે આની કલ્પના પણ કરી ન હતી. તેમનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થવા જઈ રહ્યો છે.
ઋતાબ્રતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં સીપીએમના લડાયક નેતા રહ્યા છે. ઋતાબ્રતા એક સમયે મમતા બેનર્જીને સ્પર્ધા આપવા માટે જાણીતા હતા. જોકે બાદમાં તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2017માં તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના પર તેમના વિરોધીઓ અને મીડિયા સાથે પાર્ટીની મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનો આરોપ હતો. આરોપો પર ઋતાબ્રતા બેનર્જીએ કહ્યું કે તેમની લડાઈ પાર્ટી વિરુદ્ધ નહીં પરંતુ પ્રકાશ અને બ્રિંદા કરાત વિરુદ્ધ છે. મોહમ્મદ સલીમની તપાસમાં તે દોષી સાબિત થયા હતો, ત્યારબાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ