પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) મળવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી આ બેઠક સૌજન્ય મુલાકાત હશે. આજે જ ટ્વીટ કરીને તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો. આપને જણાવી દઈએ કે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ નેતા વડાપ્રધાનને મળવાની પરંપરા રહી છે. આ પહેલા 16 માર્ચના રોજ ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને સાથે કામ કરવાની વાત કરી હતી.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને સોમવારે તેમના કેબિનેટના સભ્યોને પોર્ટફોલિયોની ફાળવણી કરી. મુખ્યમંત્રીએ ગૃહ અને ન્યાય વિભાગ પોતાની પાસે રાખ્યો છે જ્યારે હરપાલ સિંહ ચીમાને નાણા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારે માનની આગેવાની હેઠળની કેબિનેટમાં દસ મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. માને કર્મચારી, હાઉસિંગ અને શહેરી વિકાસ, ઉદ્યોગ અને વાણિજ્ય, કૃષિ અને ખેડૂત કલ્યાણ, બાગાયત, સંસદીય બાબતો, રોજગાર સર્જન અને તાલીમ, નવી અને નવીનીકરણીય ઉર્જા અને માહિતી અને જનસંપર્ક સહિત 27 વિભાગો જાળવી રાખ્યા છે.
હરપાલ સિંહ ચીમાને નાણા, આયોજન, કાર્યક્રમ અમલીકરણ, આબકારી અને કરવેરા અને સહકાર વિભાગો આપવામાં આવ્યા છે. ડો.બલજીત કૌરને સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી અને સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. હરભજન સિંહને પબ્લિક વર્ક્સ અને ઇલેક્ટ્રિસિટી વિભાગ આપવામાં આવ્યો છે જ્યારે મંત્રી વિજય સિંગલાને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિભાગ આપવામાં આવ્યો છે.
મંત્રી લાલ ચંદને ખાદ્ય અને નાગરિક પુરવઠા, ઉપભોક્તા બાબતો, વન અને વન્યજીવન વિભાગની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગુરમીત સિંહ મીત હરેનને શાળા શિક્ષણ, રમતગમત અને યુવા સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ વિભાગો આપવામાં આવ્યા છે. કુલદીપ સિંહ ધાલીવાલને ગ્રામીણ વિકાસ અને પંચાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ અને NRI (બિન-નિવાસી ભારતીય) બાબતોના વિભાગની ફાળવણી કરવામાં આવી છે. લાલજીત સિંહ ભુલ્લરને ટ્રાન્સપોર્ટ અને હોસ્પિટાલિટીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
બ્રહ્મ શંકર ઝિમ્પાને મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન, જળ સંસાધન અને પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. માનની આગેવાની હેઠળની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી હરજોત સિંહને કાનૂની અને કાયદાકીય બાબતો, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતો અને જેલ વિભાગની જવાબદારી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Delhi : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના ત્રણ નગર નિગમો એક થશે, કેબિનેટે આપી મંજૂરી
આ પણ વાંચો : Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર