Prophet Row: હાવડામાં ફરી હિંસા ફાટી નીકળી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ

|

Jun 11, 2022 | 12:52 PM

હિંસક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કલમ-144 15મી જૂન સુધી લાગુ કરવામાં આવી છે. હાવડામાં ફાટી નીકળેલી હિંસા મામલે (Violence in Howrah) અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Prophet Row: હાવડામાં ફરી હિંસા ફાટી નીકળી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ
Violence in Howrah

Follow us on

ભારતીય જનતા પાર્ટીના (BJP) બે પૂર્વ નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં હિંસા (Violence in Howrah) અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારની નમાજ બાદ ફાટી નીકળેલી હિંસા બાદ શનિવારે બીજા દિવસે ફરી હિંસા ફાટી નીકળી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. ભીડને હટાવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. હાવડાના પંચાલા બજારમાં પોલીસ અને દેખાવકારોના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા સતત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, ત્યારે પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે.

હાવડામાં 70 લોકોની ધરપકડ

પ્રદર્શનકારીઓના હિંસક પ્રદર્શનને જોતા વહીવટીતંત્રે હાવડાના ઉલુબેરિયા-સબ ડિવિઝનમાં CrPC હેઠળ કલમ-144 લાગુ કરી છે. ગઈકાલના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે સ્ટેશનોની આસપાસ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કલમ-144 15મી જૂન સુધી લાગુ કરવામાં આવી છે. હાવડામાં ફાટી નીકળેલી હિંસા મામલે અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાવડા બાદ હવે રાજધાની કોલકાતામાં પણ હિંસા ફાટી નીકળી છે. લોકોને હટાવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પશ્વિમ બંગાળના હાવડા જિલ્લામાં શુક્રવારે સેંકડો દેખાવકારોએ પયગંબર મુહમ્મદ વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ અને રેલ્વે ટ્રેકને બ્લોક કરી દીધા હતા.

હાવડામાં સોમવાર સુધી ઈન્ટરનેટ બંધ

હિંસાને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, રાજ્ય સરકારે શુક્રવારે સાંજે હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી હતી. ગૃહ અને પર્વતીય બાબતોના વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. જો કે, વોઇસ કોલ અને એસએમએસ સેવાઓ ચાલુ રહેશે.

Published On - 12:52 pm, Sat, 11 June 22

Next Article