આજે બંધારણ દિવસ છે અને દેશ બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. આ સાથે ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂરા થયાની યાદમાં વર્ષભરની ઉજવણીનો પ્રારંભ થશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પણ બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા સ્વાગત પ્રવચન આપશે.
આ પ્રસંગે ભારતીય બંધારણની ખુબીઓ, તેના નિર્માણ અને ઐતિહાસિક સફરને લગતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, વર્ષભરની ઉજવણીની ટેગલાઇન ‘આપણું બંધારણ, અમારું સ્વાભિમાન’ હશે. રિજિજુએ કહ્યું કે રાષ્ટ્રપતિની સાથે ભારત અને વિદેશના લોકો પણ બંધારણની પ્રસ્તાવના વાંચશે.
બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકાર્યું. બાદમાં તેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, 26 નવેમ્બરને દર વર્ષે ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેનો હેતુ નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાના માર્ગ તરીકે ઉજવવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. સેન્ટ્રલ હોલ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીઓના વિશેષ કાર્યક્રમો હશે.
કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે, બંધારણના નિર્માણમાં બીઆર આંબેડકરના યોગદાનનો પ્રચાર કરવા માટે પંચાયતોને આગામી વર્ષે 14 એપ્રિલથી 28 એપ્રિલ સુધી સંવિધાન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ યાત્રાઓનું આયોજન SC/ST વસ્તીની ઊંચી ગીચતા ધરાવતા ગામોમાં અને દરેક પંચાયતના મુખ્ય વિસ્તારોમાં કરવામાં આવશે.