
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર મોટો કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂછ્યું છે કે બેલટ પેપરથી યોજાયેલી આ ચૂંટણીઓમાં કોંગ્રેસે આખરે કેટલી બેઠકો જીતી છે?
ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 28 વિધાન પરિષદ બેઠકો માટે યોજાયેલી MLC ચૂંટણીના પરિણામો અને વલણો સામે આવી રહ્યા છે. આ ચૂંટણીને આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા સત્તાની સેમિફાઇનલ માનવામાં આવી રહી હતી, જેના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ચૂંટણીમાં ભાજપ ગઠબંધને વિવિધ રાજ્યોમાં મોટી સરસાઈ મેળવી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસનું અત્યંત કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. આ તમામ 28 બેઠકો પર બેલટ પેપર દ્વારા મતદાન થયું હોવા છતાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. પરિણામે વડાપ્રધાને કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો છે.
ચૂંટણીઓમાં વારંવાર પરાજયનો દોષ EVM પર ઢોળતી કોંગ્રેસ સામે પીએમ મોદીએ સત્તાવાર ‘X’ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું: “4 મોટા રાજ્યો—ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં 28 બેઠકો પર MLC ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓ બેલટ પેપર દ્વારા કરાવવામાં આવી હતી. અંદાજ લગાવો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?”
કર્ણાટક વિધાન પરિષદની 4 બેઠકો પર ભાજપ અને જેડી(એસ)ના ગઠબંધને ભવ્ય જીત નોંધાવી છે. બેંગલુરુ શિક્ષક બેઠક પર મોટો ઉલટફેર થયો છે, જ્યાં પાંચ વખતથી સતત વિજય મેળવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પુટ્ટન્નાને જેડી(એસ)ના એ.પી. રંગનાથે 908 મતોથી પરાજય આપ્યો છે. રાજ્યમાં પોતાની જ સરકાર હોવા છતાં બેલટ પેપરની ચૂંટણીમાં થયેલી આ કારમી હાર કોંગ્રેસ માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહી છે.