
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 30 સપ્ટેમ્બરને સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, ઊર્જા, ટેકનોલોજી અને પરસ્પર સહયોગ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ. બંને દેશો પોતાની ‘વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી’ ને આગળ ધપાવવા માટે સતત સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.
Had a productive conversation with President Trump. We reviewed our bilateral cooperation in trade, defence, energy, critical technologies and other areas. We agreed to maintain close engagement to take our Comprehensive Global Strategic Partnership forward.
We also exchanged views on regional and international issues, including ongoing efforts to advance global peace and security.
@POTUS
@realDonaldTrump
— Narendra Modi (@narendramodi) September 30, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ. અમે વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં આપણા પરસ્પર સહયોગની સમીક્ષા કરી. અમે અમારી ‘વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી’ ને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા છીએ.’
PM મોદીએ જણાવ્યું કે, ‘અમે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું, જેમાં વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા પ્રયાસો પણ જોડાયેલા છે.’
નોંધનીય છે કે, ફ્રાન્સના એવિયનમાં આયોજિત G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો, વેપાર અને પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસો પર પણ ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદીએ ઈરાન સાથે શાંતિ સમજૂતીના પ્રયાસો માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં શાંતિની દિશામાં થયેલી પ્રગતિથી આશાનું નવું કિરણ દેખાઈ રહ્યું છે અને આશા છે કે, આ શાંતિ જળવાઈ રહેશે.
પીએમ મોદીએ વાતચીત દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેવો પૂરી દુનિયા માટે જરૂરી છે. આની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર પડે છે. વડાપ્રધાને ભારતીય સમુદ્રી જહાજો અને તેમાં કામ કરતા લોકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
તેમણે એ પણ કહ્યું હતું કે, ભારતના લાખો સી-ફેરર (નાવિકો) દુનિયાના અલગ-અલગ ભાગોમાં કામ કરે છે અને વૈશ્વિક વેપારમાં યોગદાન આપે છે. એવામાં તેમની સુરક્ષા પણ ખૂબ જરૂરી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, ઈરાન સાથે થયેલા સમજૂતીમાં સમુદ્રી જહાજો અને તેમાં સવાર લોકોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ગયા વર્ષે વોશિંગ્ટનમાં થયેલી મુલાકાત બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં નવી ગતિ અને ઊર્જા આવી છે. બંને દેશો નક્કી કરેલા લક્ષ્યોને પૂરા કરવા માટે સતત કામ કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની ખૂબ સારી વાતચીત થઈ. તેમણે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર કામ ચાલી રહ્યું છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ આગળ વધી રહ્યો છે.