
અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના કેસમાં, સુપ્રીમ કોર્ટે આજે એવી ટિપ્પણી કરી હતી કે, જેનાથી એર ઈન્ડિયાની ફ્લાઈટના પાયલટના પિતાને રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરતા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ સુમિત સભરવાલના 91 વર્ષીય પિતાને કહ્યું હતું કે, વિમાન અકસ્માત અંગે તેમના પાયલટ પુત્રને દોષી ઠેરવી શકાય નહીં. તેમનો પાઈલટ પુત્ર વિમાન અકસ્માત અંગે જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખવા પણ કોર્ટે જણાવ્યું હતું. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે તેમની અરજી પર કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને નોટિસ ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “તમારે પોતાને બોજ ન આપવો જોઈએ. વિમાન દુર્ઘટના માટે પાઇલટને દોષી ઠેરવી શકાય નહીં. તે એક અકસ્માત હતો. પ્રારંભિક અહેવાલમાં પણ તેમની સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યા નથી.” પાઇલટના પિતા પુષ્કરાજ સભરવાલનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું, “પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલ અંગે અમેરિકન પ્રકાશન વોલ સ્ટ્રીટ જર્નલમાં એક સમાચાર લેખ પ્રકાશિત થયો હતો.”
સુપ્રીમ કોર્ટે મીડિયા રિપોર્ટિંગ પર સખત નારાજગી વ્યક્ત કરતાં ટિપ્પણી કરી કે, “આ અહેવાલનો હેતુ માત્ર ભારતની છબી ખરાબ કરવાનો અને તેના પર દોષારોપણ કરવાનો હતો.” કોર્ટે ત્યારબાદ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) દ્વારા 12મી જુલાઈએ પ્રકાશિત કરાયેલા પ્રારંભિક તપાસ અહેવાલના એક ભાગને ટાંક્યો. કોર્ટની નોંધ હતી કે આ સત્તાવાર દસ્તાવેજમાં ક્યાંય પણ વિમાનના પાઇલટ્સને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. તપાસ અહેવાલમાં માત્ર બંને પાઇલટ્સ વચ્ચે થયેલા સંવાદ (કમ્યુનિકેશન) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB)ની તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈને દોષિત ઠેરવવાનો નથી. તેના બદલે, તેનો હેતુ ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટેના નિવારક ઉપાયો સૂચવવાનો છે. કોર્ટે આશ્વાસન આપ્યું કે, “જો જરૂર પડશે, તો અમે આદેશ આપીને સ્પષ્ટ કરીશું કે પાઇલટને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં.” આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોર્ટે આ દુર્ઘટના સંબંધિત અન્ય પડતર અરજીઓ સાથે આ કેસની વધુ સુનાવણી 10 નવેમ્બરના રોજ હાથ ધરવાનું નિશ્ચિત કર્યું છે.
અમદાવાદમાં ગત, 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા મહિને, પુષ્કરાજ સભરવાલ અને ભારતીય પાઇલટ્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની વિનંતી કરવામાં આવી હતી. પુષ્કરાજે આ ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને તકનીકી રીતે યોગ્ય તપાસની વિનંતી કરી હતી.