Operation Sindoor : શહીદ જવાનની દીકરીએ કહ્યું, ‘હું બદલો લઇશ’

પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આખા પાકિસ્તાનને વેરવિખેર કરી નાખ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યું હતું અને ત્યાંના આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. જો કે, આ યુદ્ધમાં ભારતીય સેનાના કેટલાંક જવાન શહીદ થયા હતા અને તેમાંની એક શહીદની દીકરીએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે.

Operation Sindoor : શહીદ જવાનની દીકરીએ કહ્યું, હું બદલો લઇશ
| Updated on: May 11, 2025 | 8:42 PM

પાકિસ્તાનના હુમલામાં શહીદ થયેલા વાયુસેનાના જવાન સુરેન્દ્ર કુમારનો પાર્થિવ દેહ જ્યારે ગામમાં પહોંચ્યો ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગામમાં અંતિમ દર્શન માટે જે ભીડ ભેગી થઈ તેમાં દરેકની આંખો ભીની હતી. લગભગ બે કલાકની તિરંગા યાત્રા પછી જ્યારે તેમનો મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે તેમની માતા બેભાન થઈને પડી ગઈ હતી.

પત્ની સીમાએ તો પતિના ચહેરાને અડવા માટે પ્લાસ્ટિક ફાડવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજુ, 8 વર્ષના દીકરાએ તેના પિતાના શરીરને ગળે લગાવ્યું અને ફૂટીફૂટીને રોવા લાગ્યો હતો. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના મેહરદાસી ગામમાં આજે શોક છવાયેલો છે. જો કે, ગામની 11 વર્ષની છોકરીએ લીધેલા સંકલ્પથી સમગ્ર દેશના લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

પાકિસ્તાનના હુમલામાં શહીદ થયેલા વાયુસેનાના જવાન સુરેન્દ્ર કુમાર મોગાની છોકરી વૃતિકાએ કહ્યું કે, “હું મારા પિતાની જેમ સૈનિક બનીશ અને દરેક આતંકવાદીને પકડી પકડીને મારા પિતાનો બદલો લઇશ.”

 

“પાકિસ્તાનનો ખાત્મો થવો જ જોઈએ” – વૃતિકા

વૃતિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પિતાને યાદ કરે છે અને કહે છે, “મારા પિતા ખૂબ જ સારા હતા. તેમણે દુશ્મનોને મારતા મારતા પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે પાપા જોડે છેલ્લી વાર વાત થઈ હતી. પપ્પાએ કહ્યું હતું કે, ડ્રોન ઊડી રહ્યા છે પણ કોઈ હુમલો થઈ રહ્યો નથી.

તેમણે એ પણ કહ્યું હતું કે, હું સુરક્ષિત છું. હવે મને લાગે છે કે, આખું પાકિસ્તાન તબાહીના આરે છે. દીકરી વૃતિકાએ કહ્યું કે, હું મારા પિતાનો બદલો લઈશ. હું મારા પિતાની જેમ સૈનિક બનીશ અને એક પછી એક દરેક આતંકવાદીનો ખાત્મો કરીશ.”

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા  માટે અમારા ટોપિક પર ક્લિક કરો.