
સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે લોકસભામાં ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની હિમાયત કરી રહ્યા છે. જો કે, ‘વન નેશન વન ઈલેક્શન’ એ નવો વિચાર નથી. અગાઉ પણ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ ચૂકી છે. ‘વન નેશન વન ઈલેક્શન’ શું છે ? ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી. આપણા દેશમાં વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, વિવિધ રાજ્યોની મ્યુનિસિપલ અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. સરકાર ઈચ્છે છે કે દેશમાં લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવી વ્યવસ્થા છે, જેના દ્વારા મતદારો એક જ સમયે સાંસદ અને ધારાસભ્ય સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓને પસંદ કરી શકે છે. વન નેશન, વન ઇલેક્શન એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને...