ભારત પરમાણુ ઉર્જાના મામલામાં શક્તિના શિખર હાંસલ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ભારતમાં પણ હવે એવા ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે, જેમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકાય. સરકારે ન્યુક્લિયર એનર્જી અંગે ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે. ભારત નાના મોડ્યુલર રિએક્ટર બનાવવા માટે ખાનગી કંપનીઓ સાથે કામ કરશે.
રશિયા જેવા દેશો ભારત સાથે નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરની ટેકનોલોજી શેર કરી રહ્યા છે. સરકાર પરમાણુ ઉર્જા ક્ષેત્રે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સરકાર પરમાણુ ઉર્જા દ્વારા મહત્તમ વીજળી ઉત્પન્ન કરવાના લક્ષ્ય પર કામ કરશે.
અત્રે ઉલ્લેથનીય છે કે, નાના મોડ્યુલર રિએક્ટરને સામાન્ય ભાષામાં ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. કારણ કે તેને મોટા જહાજની જેમ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. રશિયામાં આવા તરતા પાવર પ્લાન્ટ્સ છે, જેમાંથી તે વીજળી ઉત્પન્ન કરે છે અને લોકોના ઘરોમાં પ્રકાશ પૂરો પાડે છે. હવે રશિયન ટેક્નોલોજીની મદદથી ભારત ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ બનાવશે.
ભારતમાં ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેવી રીતે ઉર્જા ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને વીજળીની વધતી માંગ વચ્ચે વરદાન સાબિત થઈ શકે છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. ભારતમાં જે પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, તેના નિર્માણનો ખર્ચ મોટા પરમાણુ રિએક્ટર કરતા લગભગ 8 ગણો ઓછો છે.
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં ભારતમાં વીજળીની માંગમાં 80 થી 150 ટકાનો વધારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આવા પાવર પ્લાન્ટ પાવર સપ્લાયનું નવું અને હાઇટેક માધ્યમ બની શકે છે. ભારતના દક્ષિણ ભાગમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન થાય છે, જ્યાં 95 ટકા વીજળી ડીઝલની મદદથી ઉત્પન્ન થાય છે. અહીં 42 પાવર સ્ટેશન અને કુલ 81000 ગ્રાહકો છે.
આ ટાપુઓ પર બળતણ અને સાધનસામગ્રીનું પરિવહન કરવું મોંઘું કામ છે, કુદરતી આફતો અને તોફાનોના કિસ્સામાં, ત્યાંની વીજ પુરવઠાની વ્યવસ્થા અટકી જાય છે. આવા પાવર પ્લાન્ટ આ સ્થળોએ વીજળી પૂરી પાડવા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. ચીન પછી, ભારત વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ કોલસાનો ઉપયોગ કરે છે.