
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIRમાં અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામ આરોપી તરીકે રાખવામાં આવ્યા છે.
નવી FIRમાં એવો આરોપ છે કે, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી કંપની AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) ને છેતરપિંડીથી કબજે કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ FIR 3 ઓક્ટોબરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી. ED એ તેનો તપાસ અહેવાલ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો, અને હવે દિલ્હી પોલીસે સંડોવાયેલા નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.
પીએમએલએની કલમ 66(2) હેઠળ, ઇડી કોઈપણ એજન્સીને અનુસૂચિત ગુનો નોંધવા માટે કહી શકે છે. આ જોગવાઈ હેઠળ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા (ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ) અને ત્રણ અન્ય સહિત કોંગ્રેસના નેતાઓના નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યા છે. ત્રણ કંપનીઓ, એજેએલ, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડને પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસ એ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા 1938 માં સ્થાપિત સીમાચિહ્નરૂપ અખબાર નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત લાંબા સમયથી ચાલતો વિવાદાસ્પદ કેસ છે. આ અખબાર કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ હતુ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) નામની કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવતુ હતુ. એજેએલ દિલ્હી, લખનૌ અને મુંબઈ જેવા શહેરોમાં આશરે 2,000 કરોડ રૂપિયાની મિલકતો ધરાવે છે. આ મિલકતો આરોપીઓને માત્ર 50 લાખ રૂપિયામાં જ આપવામાં આવી હતી.
કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી આ કેસમાં આરોપોને નકારી રહી છે. કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે, આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે. આ કેસ કોંગ્રેસ માટે રાજકીય પડકાર ઉભો કરે છે, જ્યારે ભાજપ તેને ભ્રષ્ટાચારનું પ્રતીક કહે છે. પોલીસ AJL શેરધારકોની પૂછપરછ કરી શકે છે. ED ચાર્જશીટ પર કોર્ટનો નિર્ણય બાકી છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.