પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીના ગોળીબારમાં મહારાષ્ટ્રના માછીમારનું મોત, ભારત રાજદ્વારી સ્તરે મામલો ઉઠાવશે
દિલ્હીના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે PMSA દ્વારા ભારતીય યાટ પર બિનઉશ્કેરણીજનક ગોળીબારની ગંભીર નોંધ લીધી છે અને આ મુદ્દો પાકિસ્તાન સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવવામાં આવશે.
Pakistan Maritime Security Agency: પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી(Pakistan Maritime Security Agency)ના કર્મચારીઓએ ગુજરાતમાંથી અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક બની હતી.
દિલ્હીના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે PMSA દ્વારા ભારતીય યાટ પર બિનઉશ્કેરણીજનક ગોળીબારની ગંભીર નોંધ લીધી છે અને આ મુદ્દો પાકિસ્તાન સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ જણાવ્યું હતું કે PMSA કર્મચારીઓએ શનિવારે સાંજે ક્રૂ મેમ્બર્સ પર ગોળીબાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્રના થાણેના એક માછીમારનું મોત થયું હતું જે માછીમારી બોટ ‘જલપરી’માં સવાર હતા.
India has taken note of the Nov 6 incident in which an Indian fishing boat was fired upon by Pakistani side; leaving 1 Indian fisherman dead, 1 injured. India to take up this issue diplomatically with Pakistan. Matter under probe, further details will be shared soon: Sources
— ANI (@ANI) November 7, 2021
તેમણે કહ્યું કે બોટમાં સાત ક્રૂ મેમ્બર હતા અને તેમાંથી એકને ગોળીબારની ઘટનામાં સામાન્ય ઈજા થઈ હતી. મૃતક માછીમાર શ્રીધર રમેશ ચમરે (32)ના મૃતદેહને રવિવારે ઓખા બંદરે લાવવામાં આવ્યો હતો અને પોરબંદર નવી બંદર પોલીસે એફઆઈઆર નોંધી છે. જોશીએ જણાવ્યું હતું કે ચામરે ફિશિંગ બોટ ‘જલપરી’ પર સવાર હતા, જે સાત ક્રૂ સભ્યો સાથે 25 ઓક્ટોબરે ઓખાથી નીકળી હતી. જેમાં પાંચ સભ્યો ગુજરાતના અને બે મહારાષ્ટ્રના હતા. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ હાલમાં ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ક્રૂ સભ્યોની સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં તથ્યો બહાર આવ્યા બાદ જ માહિતી શેર કરી શકાશે. જોકે, ICGએ પુષ્ટિ કરી હતી કે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયો હતો. બોટ પર સવાર છ લોકોની ધરપકડ કરવાના પાકિસ્તાનના દાવા અંગે પૂછવામાં આવતા કોસ્ટ ગાર્ડે કહ્યું કે ધરપકડની પુષ્ટિ થઈ નથી.
જોષીના જણાવ્યા અનુસાર, આ બોટ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નોંધવામાં આવી હતી. દરમિયાન, ચમરેના મૃત્યુના સમાચાર મળ્યા પછી, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તેમના વતન ગામ વદરાઈમાં શોકની લહેર ફેલાઈ ગઈ. યાટના માલિક જયંતિભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર ચામરેને જ્યારે ગોળી વાગી ત્યારે તે બોટની કેબિનમાં હતો. જ્યારે કેટલાક મીડિયાકર્મીઓએ રાઠોડનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે પાકિસ્તાની જવાનોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં બોટના કેપ્ટન પણ ઘાયલ થયા છે.