શું ભારતમાં તમામ પ્રકારની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે છે, એટલે કે લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓ વગેરે. આ ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. ત્યારે હવે આના પર મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો આજે આપણે વન નેશન વન ઈલેક્શનની સામે કેટલા પડકારો છે તેના વિશે વિગતવાર જાણીએ.
દર વર્ષે દેશમાં અંદાજે 5 થી 6 ચૂંટણી હોય છે.ચૂંટણીમાં સરકારને ખુબ ખર્ચ થાય છે.સાથે રાજનીતિક પાર્ટીઓને પણ વધારે ખર્ચો થાય છે.વિવિધ ચૂંટણીઓ અસ્થિરતા અને અનિશ્ચિતતા તરફ દોરી જાય છે. સપ્લાય ચેઇન, રોકાણ અને આર્થિક વિકાસ અવરોધાય છે. સરકારી તંત્રની કામગીરીમાં અવારનવાર વિક્ષેપો સર્જાય છે. સરકારી તંત્રમાં અવરોધને કારણે લોકોની તકલીફ વધે છે. સરકારી અધિકારીઓ અને સુરક્ષા દળો વારંવાર ચૂંટણી ફરજમાં લગાવવામાં આવે છે.
વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર સંવિંધાન અને કાયદામાં ફેરફારનો છે. એક દેશ એક ચૂંટણી માટે બંધારણમાં સુધારો કરવો પડશે. ત્યારબાદ આ તેને રાજ્ય વિધાનસભાઓ પાસે પાસ કરાવવો પડશે. આમ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો હોય છે. પરંતુ તે પહેલા પણ તેને ભંગ કરવામાં આવી શકે છે.ત્યારે સરકારની સામે મોટો પડકાર હોય છે કે, લોકસભા કે કોઈ વિધાનસભા ભંગ થાય તો એક દેશ એક ચૂંટણી (One Nation One Election)કઈ રીતે સફળ થશે.
આપણા દેશમાં ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાય છે. જેની સંખ્યા મર્યાદિત છે.જો એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે તો વધારે મશીનોની જરુર પડશે. જેને પૂર્ણ કરવો પણ એક પડકાર હશે. એક સાથે ચૂંટણી કરવાથી પ્રશાસન અને સુરક્ષા દળોની જરુરિયાતને પૂર્ણ કરવી પણ એક મોટો સવાલ બની સામે આવશે.
એક તો ભારતમાં ચૂંટણી ખુબ મોંઘી બની ગઈ છે. 2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. તેથી જ નિષ્ણાતો માને છે કે ચૂંટણીનો વ્યાપક અવકાશ આવરી લેવો જોઈએ. હવે કોવિંદ કમિટીના રિપોર્ટ પરથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક દેશ, એક ચૂંટણી લોકશાહીને સરળતાથી આગળ લઈ જવાનું માધ્યમ બની જશે.