કેનેડામાં (Canada) ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનો (Kartik Vasudev) મૃતદેહ 16 એપ્રિલે દિલ્હી (Delhi) લાવવામાં આવશે. કાર્તિકના પિતાએ આ માહિતી આપી છે. 21 વર્ષીય વિદ્યાર્થીના પિતા હિતેશ વાસુદેવે જણાવ્યું કે ટોરોન્ટો પોલીસે (Toronto Police) માહિતી આપી છે કે આ ગુનો કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને વકીલને રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ કારણોસર, આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. જ્યારે શનિવાર સવાર સુધીમાં મૃતદેહ નવી દિલ્હી પહોંચી જશે.
કાર્તિક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી હતો. તે ઉચ્ચ શિક્ષણ માટે જાન્યુઆરીમાં કેનેડા ગયો હતો. કાર્તિક કેનેડામાં ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરી રહ્યો હતો. સેન્ટ જેમ્સ ટાઉનમાં શેરબોર્ન ટીટીસી સ્ટેશનના ગ્લેન રોડ એન્ટ્રી ગેટ પર તેને ગોળી મારી દેવામાં આવી હતી. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે જે સમયે કાર્તિકને ગોળી વાગી હતી તે સમયે તે પોતાના કામ પર જઈ રહ્યો હતો. કેનેડામાં ભણવાની સાથે કાર્તિક એક રેસ્ટોરન્ટમાં કામ પણ કરતો હતો.
કાર્તિક પર ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ 39 વર્ષીય રિચર્ડ જોનાથન એડવિન તરીકે થઈ છે. પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. ટોરોન્ટો પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે એડવિન અન્ય વ્યક્તિની હત્યામાં પણ સામેલ હતો. પોલીસે કાર્તિક પરના હુમલાને રેન્ડમ એટેક ગણાવ્યો અને કહ્યું કે આ ઘટનામાં પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા નથી. જો કે, હુમલા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે તપાસકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે.
કાર્તિકના પરિવારના સભ્યોએ કેનેડિયન પોલીસના દાવાને ફગાવી દીધો કે ગોળીબાર રેન્ડમ એટેક હતો. પિતા હિતેશે કહ્યું કે, ‘આ હત્યા દુશ્મનીના કારણે કરવામાં આવી છે. અમને નથી લાગતું કે આ રેન્ડમ હુમલો હતો.’ પરિવારે કહ્યું, ‘પોલીસે જણાવ્યું નથી કે મારા પુત્રના શરીર પર કેટલી ગોળીઓ વાગી છે. તે ફક્ત એટલું જ કહી રહ્યા છે કે ઘણી ગોળીઓ ચલાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે શંકાસ્પદ વ્યક્તિએ કાર્તિક સાથે કોઈ વાતચીત કરી ન હતી, માત્ર તેના પર સીધું ફાયરિંગ કર્યું હતું. કાર્તિકના પરિવારે પણ આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરી છે.
આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહીમને મારવાની કસમ લેનાર ગેંગસ્ટર અલી બુદેશનું મોત, મુંબઈથી ભાગીને બહેરીનમાં રહેતો હતો
આ પણ વાંચો: PM MODI શનિવારે મોરબીમાં હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ધઘાટન કરશે