સંસદમાં 18 થી 22 સપ્ટેમ્બર સુધી વિશેષ સત્ર ચાલશે. સોનિયા ગાંધીએ સત્ર સંબંધિત મુદ્દા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિશેષ સત્રનો એજન્ડા માંગ્યો છે. સોનિયા ગાંધીએ પત્ર દ્વારા એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે, કોઈ ચર્ચા કર્યા વિના વિશેષ સત્રની જાહેરાત કેમ કરવામાં આવી છે. સત્રમાં મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ સરકારના એજન્ડા પર નહીં. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોનિયા ગાંધીના સવાલનો જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું, સંસદનું વિશેષ સત્ર સામાન્ય પ્રક્રિયા મુજબ બોલાવવામાં આવ્યું છે. સંસદનું સત્ર બોલાવતા પહેલા ના તો રાજકીય પક્ષો સાથે કોઈ ચર્ચા થાય છે અને ના તો કોઈ મુદ્દાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, સંસદના વિશેષ સત્ર બોલાવવાનો નિયમ શું છે અને શું રાજકીય પક્ષોને તેની સાથે સંબંધિત એજન્ડા વિશે અગાઉ જાણ કરવી જોઈતી હોય છે.
સરકાર પાસે સંસદનું સત્ર બોલાવવાની સત્તા છે. આ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવે છે, અને તેને રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી આપવામાં આવે છે. જેમના નામે સાંસદનુ સત્ર બોલાવવામાં આવે છે.
ભારતીય બંધારણની કલમ 85(1) કહે છે, “રાષ્ટ્રપતિ જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે સંસદના કોઈપણ ગૃહને મળવા બોલાવી શકે છે. ભારતમાં કોઈ નિશ્ચિત સંસદીય કેલેન્ડર નથી. આ જ કારણ છે કે અહીં સંસદીય પરંપરાની પ્રક્રિયા કામ કરે છે. સંસદ વર્ષમાં ત્રણ સત્રો માટે મળે છે. બંધારણમાં ક્યાંય વિશેષ સત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
સૌથી લાંબુ, બજેટ સત્ર, જાન્યુઆરીના અંતમાં શરૂ થાય છે અને એપ્રિલના અંતમાં અથવા મેના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થાય છે. બીજું સત્ર ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે, જે સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે. સંસદીય વર્ષ નવેમ્બરથી ડિસેમ્બર સુધી ચાલનારા ત્રણ સપ્તાહના લાંબા શિયાળુ સત્ર સાથે સમાપ્ત થાય છે. નિયમો મુજબ છ મહિનાના સમયગાળામાં બે સત્રો બોલાવવાનું ફરજિયાત હોવા છતાં, આ જોગવાઈ માત્ર ઓછામાં ઓછા સત્ર માટે જ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે સંસદના ત્રણ સત્રો બોલાવવામાં આવે છે, બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર. આ સિવાય બોલાવવામાં આવેલા સત્રને વિશેષ સત્ર કહી શકાય. વિશેષ સત્ર બોલાવવા અંગે, સરકાર ગૃહના દરેક સભ્યને તારીખ અને સ્થળ અંગે જણાવે છે, પરંતુ જો ઈમરજન્સીમાં સત્ર બોલાવવામાં આવે તો દરેક સભ્યને અલગથી જાણ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં તમામ સભ્યોને માહિતી આપવી ફરજિયાત પણ નથી. નિયમ કહે છે કે આવા કિસ્સાઓમાં તેની જાહેરાત ફક્ત ગેઝેટ અને પ્રેસમાં જ કરવામાં આવે છે.
બંધારણનો નિયમ કહે છે કે, સરકાર 15 દિવસ પહેલા સત્ર બોલાવવાની સૂચના આપે છે. જોકે, આમાં એજન્ડા બનાવવો ફરજિયાત નથી. સરકાર સંસદની બેઠકના એક દિવસ પહેલા બુલેટિન બહાર પાડે છે અને એજન્ડા વિશે માહિતી આપે છે. જો કે, સરકારને પહેલેથી જ નક્કી કરેલા એજન્ડામાં ફેરફાર કરવાનો અધિકાર છે.
આવા કિસ્સા ભૂતકાળમાં પણ પ્રકાશમાં આવ્યા છે જ્યારે સરકારે સત્ર માટે નક્કી કરેલા એજન્ડામાં ફેરફાર કર્યો હતો. કલમ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યોના પુનર્ગઠન સંબંધિત બિલની રજૂઆત દરમિયાન એજન્ડામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બીલો અંગે જે તે સમયે સ્થળ પર જ માહિતી આપવામાં આવી હતી.
મોદી સરકારના છેલ્લા 9 વર્ષના કાર્યકાળ દરમિયાન અગાઉ પણ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. 2017માં પ્રથમ વખત ખાસ સત્રમાં બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. 30 જૂન, 2017 ના રોજ, મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવા માટે બંને ગૃહોનું સંયુક્ત મધ્યરાત્રિ સત્ર બોલાવ્યું હતું. અગાઉ 2008માં પણ જ્યારે ડાબેરી પક્ષોએ મનમોહન સિંહની આગેવાની હેઠળની તત્કાલીન યુપીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું હતું ત્યારે વિશ્વાસ મત માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. ભારતની આઝાદીના 50 વર્ષ જેવા રાષ્ટ્રીય લક્ષ્યોની ઉજવણી કરવા માટે પણ વિશેષ સત્રો અને સંયુક્ત બેઠકો પણ બોલાવવામાં આવી હતી.