
ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા લોકો માટે ચંદીગઢ એરપોર્ટ પર ઉતરાણ કરવાનો સમય ભયાનક સાબિત થયો હતો. હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ફ્લાઇટ 6E 108 માં એકાએક જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આ અકસ્માત એક મુસાફરના બેગમાં રાખેલી પાવર બેંકને કારણે થયો હતો. વિમાન જ્યારે એરપોર્ટ પર ઉભું હતું ત્યારે અચાનક પાવર બેંક ફાટી હતી. ધડાકાની સાથે જ ફ્લાઇટમાં કાળો ધુમાડો ભરાઈ ગયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. એર હોસ્ટેસે વિલંબ કર્યા વગર અગ્નિશામક યંત્રની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતા ફ્લાઇટ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. વિરોધાભાસી અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે, જ્યારે એરલાઇન તમામ મુસાફરો સુરક્ષિત હોવાનો દાવો કરી રહી છે.
ઇન્ડિગોએ આ મામલે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સુરક્ષાના કારણોસર વિમાનને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. વિમાનને ફરી સેવામાં લેતા પહેલા તેની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ કરવામાં આવશે.
આ ઘટના ફરી એકવાર પાવર બેંક અને બેટરી સંચાલિત ઉપકરણોની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. ફ્લાઇટમાં આવા ઉપકરણો સાથે રાખતી વખતે વધુ સાવચેતી રાખવી જરૂરી છે.